કમળાના 4, ટાઇફોઇડના 3 અને ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો, પાણીના બે સેમ્પલ ફેલ
શરદી, તાવ, ઝાડા-ઊલટી સહિતના સપ્તાહમાં માત્ર 947 કેસ નોંધાયા : મહાપાલિકાના ચોપડે બીમારીના કેસમાં નોંધપાત્ર ઘટાડો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે બીમારીના કેસમાં આશ્ચર્યજનક રીતે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને એક સપ્તાહમાં શરદી-ઉધરસ, સામાન્ય તાવ, ઝાડા-ઊલટી સહિતના કુલ 947 કેસ નોંધાયા છે. જ્યારે પાણીના એક સપ્તાહમાં લીધેલા 401 સેમ્પલમાંથી બે સેમ્પલ ફેલ ગયાનું મનપાએ જાહેર કર્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા સતત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. આમ છતાં છેલ્લા એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના 163, કમળાના 4, ટાઇફોઇડના 3 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળાનો એક ડેન્ગ્યુનો કેસ નોંધાયો છે. મનપાએ જાહેર કર્યા મુજબ એક સપ્તાહમાં શરદી-ઉધરસના 354, સામાન્ય તાવના 423 કેસ નોંધાયા છે.
તા.19થી 25 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 25,526 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 218 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલ છે. મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્સિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળે ચેકિંગ કરી મચ્છર ઉત્પત્તિ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 487 પ્રિમાઇસિસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ધાર્મિક સ્થળ, સરકારી કચેરી વગેરે)માં મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 84 અને કોમર્સિયલ 95 આસામીને નોટિસ આ5વામાં આવેલ છે.
ફરી માથું ઊંચકતા કોરાનાથી ગભરાવવું નહીં, સાવચેતી જરૂરી
ગુજરાત સહિતના રાજ્યમાં ધીમે-ધીમે ફરી કોરોના કેસ ફરી નોંધાય રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે તેમ તબીબોએ કહ્યું હતું. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને શરદી-તાવ ત્રણ-ચાર દિવસ રહે તો ઘરગથ્થું ઉપચારને બદલે તબીબની સલાહ મુજબ દવા લેવી હિતાવહ છે. જો કે, રાજકોટમાં શરદી-ઉધરસના મોટાભાગના કેસ સામાન્ય બિમારીના હોય છે.