શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે મણિનગર વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસનાં ઉમેદવાર હતા
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે કોંગ્રેસના ભૂતપૂર્વ આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટને કેસરિયો ખેસ ધારણ કરાવ્યો હતો. મોદીની બેઠક ઉપર ભાજપ સામે લડનારા શ્વેતા બ્રહ્મભટ્ટ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જાણવા મળ્યા મુજબ હાર્દિક પટેલે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે કેસરિયો ખેસ પહેરવાની ના પાડી દીધી હતી. આ કારણે બે અલગ અલગ બે કાર્યક્રમ રાખવા પડયા હતા. તે અંતર્ગત પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો છે.
- Advertisement -
શ્વેતા પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ’હું પહેલેથી વડાપ્રધાન મોદીની પ્રશંસક રહી છું. હું જ્યારે તેમને મળી ત્યારે તેમના માટેના માનમાં વધારો થયો હતો. તેમની દેશ માટેની કામગીરી અને નિષ્ઠા ખૂબ જ પ્રેરણા આપનારા છે.’
હાર્દિક પટેલ અલગથી શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છતા હોવાથી શ્વેતા બ્રહ્મભટ્ટને પહેલાં ભાજપમાં જોડાઈ જવા કહી દેવાયુ હતું. ટૂંકમાં, ભાજપમાં પ્રવેશ મુદ્દે ડખો થતાં અલગ અલગ કાર્યક્રમ રાખવા પડ્યા છે. પૂર્વ કોંગ્રેસી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે તેઓ જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તે પૂર્ણ ન થઈ શક્યા. આ સાથે જ તેમણે કોંગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો.