ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
ભારતીય ઓપનર શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં નંબર-1 બેટર બની ગયો છે. તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો. ગયા અઠવાડિયે ગિલ બીજા સ્થાને હતો. ICC એ બુધવારે નવા રેન્કિંગ્સ જાહેર કર્યા. બોલિંગમાં શ્રીલંકાના મહિશ થિકસાનાએ અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. બેટિંગ રેન્કિંગમાં ચાર ભારતીય બેટર ટોપ-10માં છે. કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને અને વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને યથાવત છે. શ્રેયસ અય્યરે એક સ્થાનનો ફાયદો મેળવ્યો છે અને તે નવમા સ્થાને પહોંચી ગયો છે. ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની સિરીઝની પહેલી બે વન-ડેમાં અડધી સદી અને ત્રીજી વન-ડેમાં સદી ફટકારી હતી, અને તેનો ફાયદો તેને મળ્યો છે. તેણે ત્રણ મેચમાં 259 રન બનાવ્યા. આ બીજી વખત છે જ્યારે ગિલે ઘઉઈં ક્રિકેટમાં નંબર-1 રેન્કિંગ હાંસલ કર્યું છે. તેણે 2023માં મેન્સ ODI વર્લ્ડ કપની વચ્ચે બાબરને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.
બાબર આઝમને પછાડી શુભમન ગિલ બન્યો ICC વન-ડે રેન્કિંગમાં નંબર-1
