ફક્ત 10 વર્ષમાં બીજી વખત રિનોવેશન: રૂ.80.54 લાખના ખર્ચે કામગીરીનો કરાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2009માં કરોડો રૂપિયાના ખર્ચે પેડક રોડ પર નિર્માણ કરાયેલ શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર (સ્વિમિંગ પૂલ) હવે ફરી રિનોવેશન માટે બંધ કરાયું છે. માત્ર 10 વર્ષના ગાળામાં બીજી વખત મોટા પાયે મરામત કરવાની ફરજ પડતા નાગરિકો અને વપરાશકર્તા સભ્યોમાં અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે. મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે 1 જુલાઈથી પૂલ 9 મહિનાં સુધી બંધ રહેશે. રિનોવેશન માટે રૂ. 80.54 લાખના ખર્ચે ‘સદગુરુ ડેવલપર્સ’ એજન્સી સાથે કરાર કરવામાં આવ્યો છે. જોકે આ ખર્ચ એસ્ટિમેટ ખર્ચ કરતા 9.50% વધારે છે – એસ્ટિમેટ રૂ. 73.50 લાખ હતો.
રિનોવેશન દરમિયાન શાવર રૂમ, ફ્લોરિંગ, ટોઇલેટના દરવાજા, ટાઇલ્સ, પાણીનું રિસાયક્લિંગ સિસ્ટમ અને અન્ડરગ્રાઉન્ડ ટાંકોના લીકેજ જેવી વિસંગતતાઓ સુધારાશે. ટાંકોને ઋછઙ કોટિંગ પણ આપવામાં આવશે. સ્નાનાગાર સંચાલક દ્વારા જણાવ્યા મુજબ હાલમાં કુલ 2066 સભ્ય નોંધાયેલા છે. સ્વિમિંગ માટે પેડક રોડ બંધ રહે તો, આ સભ્યોને રેસકોર્સ ખાતે લોકમાન્ય તિલક સ્નાનાગારમાં જવાની છૂટ અપાઈ છે.
નાગરિકોમાં પ્રશ્ર્ન ઊભો થયો છે કે છેલ્લા 15 વર્ષમાં આ પૂલ માટે ઘણા વખત રિનોવેશન અને મરામતનું કામ કરાયું છે, ત્યારે શરૂઆતમાં કરાયેલા નિર્માણકાર્યની ગુણવત્તા શું હતી? અને હવે જે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
2009માં નિર્મિત આ સ્વિમિંગ પૂલમાં 2014-15માં પણ રિનોવેશન કરાયું હતું, જે માત્ર 5 વર્ષ પછી જરૂરી બન્યું હતું. ત્યારબાદ વારંવાર ફિલ્ટર પ્લાન્ટની સમસ્યાઓ નોંધાઈ છે. તાજેતરમાં તો ગટરના ગંદા પાણી પૂલના ફિલ્ટર પ્લાન્ટમાં ઘૂસતા સભ્યોને તરતી વખતે બહાર નિકળી જવાની ફરજ પડી હતી.