રસ્તે રઝળતાં ગૌવંશને વિનામૂલ્યે સારવાર અને ઓપરેશન મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના બાલસર ગામ ખાતે ભવ્ય ગૌશાળા અને ગૌવંશ માટેની આધુનિક હોસ્પિટલનું નિર્માણકાર્ય પુરજોશમાં શરૂ થઈ ગયું છે. ગૌપ્રેમી દાતા રણજીતસિંહ નટવરસિંહ જાડેજા (ગામ-વાગુદડ)એ આ સેવા કાર્ય માટે 2 એકર જમીન ટ્રસ્ટને અર્પણ કરી છે. આ હોસ્પિટલ કુલ 24,800 સ્ક્વેર ફૂટના બાંધકામ વિસ્તારમાં નિર્માણ પામી રહી છે, જ્યાં રસ્તે રઝળતા, નિરાધાર, બીમાર કે રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના-મોટા ગૌવંશને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવશે. હોસ્પિટલની મુખ્ય સુવિધાઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે: આધુનિક ઓપરેશન થિયેટર, એક્સ-રે અને હાઇટેક લેબોરેટરી, આધુનિક આઈ.સી.યુ. વોર્ડ, રિકવરી વોર્ડ, અલગ-અલગ વોર્ડ, આજીવન બીમારીથી પીડાતા અબોલ જીવો માટે શેલ્ટર.
વજનદાર પશુઓને ઉચકવા માટે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સની સુવિધા, 24 કલાક એમ્બ્યુલન્સ હેલ્પલાઈન, હાઇવે પર ઘાયલ થતાં ગૌવંશ માટે સ્થળ પર સારવારની વ્યવસ્થા પણ કરાઇ છે.
મુખ્ય શેડ, આર.સી.સી. સાથેનું ગોડાઉન, ઓફિસ, પાણીનો ટાંકો, બોરવેલ, સર્વન્ટ માટે સુંદર ક્વાર્ટર અને સમગ્ર સંકુલ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ રહેશે.
શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ ગૌશાળા ઉપરાંત બારેમાસ જીવદયા અને માનવ સેવાના વિવિધ કાર્યો કરે છે, જેમાં રાજકોટની બહારના વિસ્તારમાં શ્વાનોને ખોરાક આપવા માટે રીક્ષા ચલાવવામાં આવે છે.
- Advertisement -
તેમજ કુંડા, માળા અને બર્ડ ફીડર લગાવી નિયમિત પાણી ભરવું, ગાયો અને શ્વાનો માટે પાણીની કુંડીઓ મૂકવી, કીડીયારૂં પૂરવું, ઉનાળામાં ટ્રક-ટ્રેક્ટર ચલાવતા મજૂરોને છાશ-પાણી પીવડાવવા જેવી સેવાઓ આપવામાં આવે છે. માનવ સેવાના ભાગરૂપે, રાજકોટના નિશ્ચિત વિસ્તારમાં રહેતા નિરાધાર વડીલો તેમજ કેન્સર-કિડનીના રોગોથી પીડિતો માટે 365 દિવસ નિ:શુલ્ક ટિફિન સેવા અને મેડિકલ સહાય પણ પૂરી પાડવામાં આવે છે.તાજેતરમાં પરમ પૂજ્ય ડો. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના વરદ હસ્તે ટ્રસ્ટની હાઇડ્રોલિક બોલેરો એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનીષભાઈ રાડિયા, જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ એમ. જાડેજા, રાજદીપસિંહ એન. જાડેજા સહિતના મહાનુભાવો અને ટ્રસ્ટના સ્તંભરૂપી ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.