ખાસ-ખબર સંવાદદાતા
સાંસ્કૃતિક ધરોહર ભારતની સૌ ભાવિક સૃષ્ટિને ગૌરવભેર વિદિત કરતાં આનંદ થાય છે કે સનાતન હિંદુ ધર્મના મુખ્ય આચાર્યોમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પ્રણેતા જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહારાજજીના 18મી પેઢીના વંશજ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા આચાર્ય કુળની પરંપરા અનુસાર આજની આધુનિક યુવા પેઢીને સનાતન વૈદિક ધર્મના અમૂલ્ય સંસ્કારોથી સિંચીત કરીને યુવાનોને વિશ્ર્વ વિખ્યાત ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવાનું દિવ્ય કાર્ય દેશ-વિદેશમાં સંપન્ન થઈ રહ્યું છે ત્યારે પુષ્ટિ માર્ગના 500 વર્ષના ઈતિહાસમાં સર્વ પ્રથમવાર સંસ્કાર, સંસ્કૃતિ એવં સહજ જીવનશૈલીના પ્રેરણા ધામ સ્વરૂપે ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ એક ઐતિહાસિક સંકુલ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં રાજકોટ પાસે ગોંડલ તાલુકાના ચોરડી ખાતે સાકાર થવા જઈ રહ્યું છે.
‘શ્રી સંસ્કાર વર્લ્ડ’ સંકુલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું સંકુલ હશે જ્યાં ગુરુકુળ, સ્કૂલ, કોલેજ, વિશાળ અતિથિભવન, 84 કોસ વ્રજદર્શન, વિશાલ શ્રી ગિરિરાજજી મંદિર, શ્રી મહાપ્રભુજીનાં 84 બેઠકજી, વૈષ્ણવ સાધક આશ્રમ, બાળકો માટે રમત-ગમત પ્રાંગણ વગેરેનું નિર્માણ સાકાર થશે. વિવિધ સંકુલોના ખાતમુહૂર્ત અને પ્રચાર અભિયાન અંતર્ગત પૂ. વ્રજરાજકુમારજીએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય મોટા શહેરોમાં મીટીંગોનો દોર શરૂ કર્યો છે. રાજકોટમાં આજે તા. 19 જૂલાઈના રોજ રાત્રે 9થી 11-30 બાલાજી હોલ પાસેની ધોળકિયા સ્કૂલના પ્રાર્થના હોલમાં, કાલે બુધવારે સાંજે 4થી 7 સરદારનગર સોસાયટી 150 ફૂટ રીંગ રોડ, ઓમનગર બસ સ્ટોપ પાસે તથા રાત્રે 8થી 11 રૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે તથા શનિવાર તા. 23 જૂલાઈના રોજ સાંજે 4થી 7 ભક્તિધામ મંદિર, પંચવટી સોસાયટી ખાતે તથા રવિવાર તા. 24 જૂલાઈના રોજ રાત્રે 8થી 11 પેડક રોડ ઉપરના અટલબિહારી ઓડીટોરિયમ ખાતે મીટીંગો યોજાશે.