બેંકની તપાસમાં શ્રુજોય વોરા સહિત 12 વ્યક્તિના નામ ખૂલ્યા: બેંકે પોલીસ કમિશનરને રજૂઆત કરી: ટૂંક સમયમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરાશે
શ્રુજોય વોરા સામે અગાઉ એક વકીલ સહિત અનેક લોકોએ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ કરેલી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં થોડા સમય પહેલાં એક સહકારી બેન્કમાં થયેલ લોન કૌભાંડ અંગે શ્રુજોય વોરા સામે છેતરપિંડીનો ભોગ બનેલ શખ્સે ફરિયાદ કરી હતી. હવે આ મામલો આગળ વધ્યો છે અને બેન્કની તપાસમાં શ્રુજોય વોરાએ બેન્ક સાથે અંદાજે 90 લાખ રૂપિયાનું લોન કૌભાંડ કર્યાનું ખુલ્યું છે. આ અંગે બેન્ક મેનેજમેન્ટ દ્વારા પોલીસ કમિશનરનો સંપર્ક કરી તેમને લેખિત ફરિયાદ કરી છે, એટલું જ નહીં આ મામલે ટૂંક સમયમાં જ શ્રુજોય વોરા સામે એફઆઈઆર નોંધાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકોને જુદી જુદી વાતોમાં અને સંબંધોમાં ભોળવી દસ્તાવેજો કરાવી લોન અપાવી દેવાના બહાને છેતરપિંડી કરી છે. બેન્કે આ અંગે તપાસ કરતાં શ્રુજોય હસ્તક અંદાજે 12 લોકોની લોન મંજૂર થઈ છે જેની લોન કિંમત રૂપિયા 90 લાખ આસપાસ થાય છે.
આ તમામ લોન કાર લોન તરીકે લેવાઈ છે એટલું જ નહીં તમામમાં શ્રુજોયએ બનાવટી ખાતા ઉભા કરી લોનના રૂપિયા ઉપાડી લીધા છે. જેમના દસ્તાવેજ બેન્કમાં થયા હતા તે તમામ લોન અરજદારોને અંધારામાં રાખીને શ્રુજોયએ આ કૌભાંડ કર્યાનું હાલ જણાઈ રહ્યું છે. કુલ 90 લાખની લોન આ બેન્ક દ્વારા આપવામાં આવી છે. બેન્કની તપાસમાં જે લોકોના નામ ખૂલ્યા છે, તેમાં રાવજી રાઠોડ, વિથલાણી દિપાબેન શૈલેષભાઈ, વિથલાણી વિક્રમ શૈલેષભાઈ, બધેકા નિકિતા મનીષભાઈ, બધેકા ઉદય મનીષભાઈ, ગોસ્વામી દિવ્યાબેન વસંતગીરી, વેકરીયા દિવાન રાજેશભાઈ, ભોજાણી સોનુ, પ્રતિક દિપક દોશી (મોરબી), દિપક છગન દોશી (મોરબી), લક્ષ્યાંક વિથલાણી તથા સૂત્રધાર શ્રુજોય સંજયકુમાર વોરાનો સમાવેશ થાય છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે શ્રુજોય વોરા સામે એક વકીલ સહિત અનેક લોકોએ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ કરી છે. શ્રુજોય વોરા બેન્કો અને ફાયનાન્સ કંપનીઓમાં વર્ષો સુધી કામ કરી ચૂક્યો છે. શાતીર દિમાગનો હોવાથી બેન્કની અને નાણાકીય કંપનીની નબળાઈઓનો તેને ખ્યાલ પડી ગયો હતો. આ કારણે તેણે બેન્કમાં વાહન લીધી હતી. વાહન લોનના નાણા બેન્ક દસ્તાવેજ કરનારને નહીં પરંતુ જે એજન્સી પાસેથી વાહન ખરીદવાનું હોય તેને ડાયરેકટ આપે છે, આથી શ્રુજોયે લોકોને ભોળવી લોનના દસ્તાવેજ કરાવી લઈ થર્ડ પાર્ટી બેન્કના ચેક લઈ એ પૈસા ઉપાડી લીધા હતા. મોટાભાગની ફરિયાદો આ જ પ્રમાણેની છે. એવું પણ માનવામાં આવે છે કે શ્રુજોયે આ માટે શરૂઆતમાં ફરિયાદીઓમાંથી એક-બે જણાને સાથે જોડ્યા હોય, પરંતુ શ્રુજોયનું અસલી સ્વરૂપ બહાર આવતા આ તમામ લોકો શ્રુજોય વિરુદ્ધ ફરિયાદ માંડ્યા છે. નજીકના ભવિષ્યમાં શ્રુજોય સામે હજુ પણ કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદ થવાની શક્યતા છે.