સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ’ઓપરેશન સિંદૂર’ની થીમ સાથેના ગણેશ ઉત્સવ પંડાલ ગીર સોમનાથ જિલ્લાના શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. વેરાવળના ડાભોર રોડ પર આવેલી ગોવર્ધનનાથજીની હવેલી પાસેના આવા જ શ્રીજી હાઈટ્સ પંડાલમાં આસ્થા સાથે શૌર્ય અને સાહસનો સંગમ જોવા મળ્યો હતો. તાજેતરમાં આતંકવાદને નાથવા માટે અમલમાં મૂકાયેલા ’ઓપરેશન સિંદૂર’ ને સમગ્ર પંડાલની થીમમાં સમાવેશ કરી અને આયોજકોએ ભારતીય સૈનિકોના અદમ્ય સાહસને બીરદાવ્યું હતું. ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર તૈયાર કરવામાં આવેલા ગણેશ પંડાલમાં ભારતીય એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર્સ, અત્યાધુનિક વિમાન, બૂલેટપ્રૂફ કવચ સહિતના ફ્લોટ્સ તેમજ ‘ઓપરેશન સિંદૂર’ સાથે સંકળાયેલા કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના પોસ્ટર્સ પણ દર્શાવવામાં આવ્યાં હતાં. ગણેશ મહોત્સવ દરમિયાન બહોળી સંખ્યામાં ગણેશજીના દર્શનાર્થે નગરજનો સહભાગી બનતા હોય છે ત્યારે રોજ રાતે અલગ અલગ કલાકારોના માધ્યમથી ગીત-સંગીત સાથે ડાયરાના માધ્યમથી શહેરીજનોએ વીરરસની સરવાણી માણી હતી.
વેરાવળના ડાભોર રોડ પરનો શ્રીજી હાઈટ્સ ગણેશ પંડાલ, ડાયરાના માધ્યમથી વીરરસની સરવાણી માણતા શહેરીજનો

Follow US
Find US on Social Medias


