નાગરિકોની જિંદગી સાથે ચેડાં કરતી ‘શ્રીજી ફાયર સેફ્ટી’
64 બોટલ જામનગરની એજન્સીને ચકાસણી માટે મોકલાતા તમામ ફેઈલ
બીજી વખત શ્રીજીને જ ચકાસણી અર્થે મોકલાતાં માત્ર 4 બોટલને જ ફેઈલ દેખાડી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સરકારના નિયમોનુસાર દરેક સોસાયટી, કોમ્પ્લેક્ષ, કોમર્શિયલ બિલ્ડીંગ અથવા મોટી ઈમારતોને ફાયર એનઓસી અને ફાયરના સાધનો રાખવા જરૂરી છે. ત્યારે કેટલીક એજન્સીઓ એવી પણ છે કે, જેની તપાસે સર્ટીફિકેટ આપવાનું લાયસન્સ જ નથી છતા પણ ડમી સર્ટીફિકેટ આપી અને સાવ છેલ્લી ક્વોલિટીની ફાયર સેફ્ટીની બોટલ ધાબડી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડના મહાનગરપાલિકાના અમુક અધિકારીઓ સંકળાયેલા હોવાનું સામે આવતા ચકચાર મચી છે. ત્યારે રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સિટી પાછળ આવેલા ડ્રીમ સિટી સોસાયટીના રહીશે મહાનગરપાલિકાના મુખ્ય ફાયર અધિકારીને રજૂઆત કરી હતી કે, વર્ષ 2019માં સોસાયટીની સેફ્ટી અને સરકારના નિયમ મુજબ શ્રીજી ફાયર એજન્સી નામની પેઢી પાસેથી 68 બોટલો લીધી હતી. જેની ચકાસણી ત્રણ વર્ષ બાદ થવી જોઈએ. સરકારના નિયમ મુજબ દર ત્રણ વર્ષે ફાયરની બોટલનો હાઈડ્રો ટેસ્ટ થવો જરૂરી છે. ત્યારે આ તમામ બોટલોની ચકાસણી માટે જામનગરમાં આવેલી ફાયર એજન્સીને મોકલતા આ તમામ બોટલો ચકાસણીમાં ફેઈલ થતા ચકચાર મચી હતી. આ એજન્સીએ તમામ બોટલો હાલ ચાલશે નહીં તેવું સર્ટીફિકેટ કાઢી આપ્યું હતું. બોટલની વાત કરીએ તો એક બોટલની કિંમત 43 હજાર છે અને તેની વેલિડિટી 15 વર્ષની હોય છે. પરંતુ ત્રણ વર્ષમાં જ આ ફાયરની બોટલ ફેઈલ થઈ જતા તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં એવું જાણવા મળ્યું હતું કે, આ ફાયરની બોટલ સાવ હલકી ગુણવત્તાની છે અને તેની ઉપર આઈએસઆઈનો સિક્કો લગાવીને એજન્સી બોટલો વધુ ભાવે લોકોને વેચી લોકોની જિંદગીને જોખમમાં મુકી રહ્યા છે.
શ્રીજી એજન્સીએ આપેલું સર્ટીફિકેટ ડમી: ફાયર ઓફિસર ખેર
સોસાયટીના રહીશે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ખેરને બતાવતા આ સર્ટીફિકેટ ડમી છે તેવું ઓફિસર ખેરે જણાવ્યું હતું. આ સર્ટીફિકેટ નહીં ચાલે અને શ્રીજી એજન્સીને આવા સર્ટીફિકેટ ઈશ્યુ કરવાની પરમિશન નથી મળી.
શ્રીજી એજન્સી પાસે લાયસન્સ ન હોવા છતાં ડમી સર્ટીફિકેટ આપી રિન્યુ કરી દીધી
- Advertisement -
ત્યારપછી આ તમામ બોટલોને શ્રીજી એજન્સીને જ રિફીલીંગ માટે મોકલવામાં આવી હતી. જેમાં માત્ર 4 બોટલને જ ફેલ દેખાડી આ સિવાયની તમામ ફાયરની બોટલની એનઓસી મોકલાવી દેતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. શ્રીજી ફાયર એજન્સી હલકી ગુણવત્તાવાળી બોટલો લઈને ઊંચા ભાવે આપી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે, જામનગરની એજન્સીએ આ તમામ બોટલોને ફેલ દેખાડી હતી અને હવે નહીં ચાલે તેવું જણાવ્યું હતું જ્યારે શ્રીજી એજન્સીએ માત્ર 4 બોટલોને જ માત્ર દેખાડવા ખાતર ફેઈલ કરી દીધી હતી. જ્યારે શ્રીજી એજન્સી અન્ય એજન્સી કરતા રિફિલીંગના ત્રણ ગણો ચાર્જ ઉઘરાવી રહ્યા છે. જ્યારે અગાઉ ડ્રીમ સિટી સોસાયટીમાં ફાયરના અધિકારીઓ ફાયરની બોટલોનું ચેકિંગ કરવા આવ્યા ત્યારે જણાવ્યું હતું કે, તમામ બોટલોના રીફિલીંગ થવું જરૂરી છે તેવી નોટિસ ફટકારી હતી અને શ્રીજી એજન્સીએ આપેલું સર્ટીફિકેટ પણ ડમી છે તેવું જણાવ્યું હતું કે, ત્યારબાદ શ્રીજી એજન્સી પાસે સર્ટીફિકેટ ઈશ્યુ કરી આપવાનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. ફાયર ઓફિસર રાહુલ જોશીએ જણાવ્યું હતું કે, ટેસ્ટ પરમિશનનું લાયસન્સ શ્રીજી એજન્સી પાસે નથી. જ્યારે શ્રીજી એજન્સી પાસે સર્ટીફિકેટ ઈશ્યુ તથા રિન્યુ કરવાનો પરવાનો ન હોવા છતા કેટલાક લોકોને આવી ખોટી રીતે સર્ટીફિકેટ આપી દેતા કેટલાય લોકોની જિંદગીને જોખમમાં મુકી છે.
શ્રીજી એજન્સીએ હલકી ગુણવત્તાવાળી બોટલો પર ઈંજઈં લગાવી વેચી મારવાનું કૌભાંડ
ફાયર અધિકારીએ રજૂઆત કરનાર પાસેથી 10 હજાર માંગ્યા
સોસાયટીનાં રહીશે ફાયર અધિકારી રાહુલ જોશીને પૂછતા એવું જણાવ્યું હતું કે, આ સર્ટીફિકેટ ચાલશે. અને રજૂઆત કરનાર ડ્રીમ સિટીના રહીશ પાસેથી હું દિલ્હી છું અને મારે દસ હજાર રૂપિયાની જરૂર છે. તેવું કોલ કરીને કહ્યું હતું. જ્યારે તેની આ વાત મુખ્ય ફાયર ઓફિસર ખેર સાહેબને ના પણ પાડી હતી.
હલકી ગુણવતાવાળી બોટલોના તળિયા ફુલી ગયા
આ બોટલો હલકી ગુણવત્તાવાળી હોવાના લીધે નીચેથી ફુલી ગઇ હોવાથી તેને સોસાયટીમાંથી હટાવી લેવામાં આવી છે. કારણ કે ફાયરના સાધનો જિંદગી બચાવવા માટે મુકવામાં આવે છે જ્યારે આ બોટલો જ ખુદ ફાટવાના આરે હોય તો તેને હટાવી લેવી જરૂરી છે.