ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. આ મહિનામાં શિવપુરાણનું વાંચન અને શિવજીની ભક્તિનું વિશેષ મહત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે, અને ભગવાન શિવજીએ પોતે બ્રહ્માજીના પુત્ર સનત કુમારને જણાવ્યું હતું કે શ્રાવણ મહિનો તેમને અત્યંત પ્રિય છે. આમ, પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવાથી ભક્તોની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે અને શિવજી તેમના દુ:ખ દૂર કરે છે તેવી શ્રદ્ધા પ્રચલિત છે. શ્રાવણ માસના આ પવિત્ર પ્રથમ દિવસ નિમિત્તે, સાંસદ રામભાઈએ તમામ લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી શુભકામનાઓ પાઠવી છે.
- Advertisement -
શ્રાવણ મહિનાનું મહત્વ સમજાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ, ઇન્દ્રની હજાર આંખો અને શેષનાગની 2000 જીભ પણ ઓછી પડે તેમ છે. આ મહિના સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે: દેવી પાર્વતીએ યુવાવસ્થામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અન્નજળનો ત્યાગ કરીને કઠોર વ્રત અને તપસ્યા કરી હતી. તેમની આ તપસ્યાના ફળ સ્વરૂપે તેમણે શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કર્યા.
સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ ઝેર ઉત્પન્ન થયું ત્યારે સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવજીએ તે ઝેરનું પાન કર્યું અને પોતાના ગળામાં રોકી રાખ્યું. આ કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું અને તેઓ ’નીલકંઠ’ કહેવાયા. આ ઝેરની અસર ઓછી કરવા માટે દેવી-દેવતાઓએ શિવલિંગ પર જળ ચઢાવવાનું શરૂ કર્યું, જે પરંપરા આજે પણ શિવલિંગ પર જળ ચઢાવવાના મહત્વનું પ્રતીક છે.