ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિવાળી આવતા રાજકોટમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજ પડતાની સાથે જ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડે છે. કપડાથી લઈને તમામ વસ્તુઓ લોકો ખરીદી રહ્યા છે. રાજકોટ એટલે રંગીલું અને મોજીલું શહેર. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ જેવી ઘણી બધી બજારો સમય સાથે વિકસી રહી છે અને વિસ્તરી પણ રહી છે. આ બધાની વચ્ચે ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી બજારનો દબદબો આજે પણ યથાવત છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર આવતાં જ આ બજારો રાજકોટવાસીઓથી ઉભરાઇ જાય છે. દિવાળી પર બજારો રંગબેરંગી લાઈટોથી શણગારાઈ જાય છે અને સાંજ પડતા જ માનવ મહેરામણ ઉમટી પડે છે. દિવાળીનો તહેવાર નજીક છે, અને ખરીદી શરૂ થઈ ગઈ છે. જેના કારણે વેપારીઓની ચાંદીની ચમક વધી ગઈ છે. કપડાં ખરીદવા લોકો ધર્મેન્ દ્ર રોડ અને ગુંદાવાડીમાં ઉમટી રહ્યાં છે. સ્વાભાવિક છે કે રાજકોટવાસીઓએ ફરવાનું પ્લાન પણ બનાવી લીધું છે. આ માટે, કપડાંની ખરીદી માટે બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરાબજાર અને ગુંદાવાડીમાં દિવાળીની ચમક જોવા મળી રહી છે. આ બધી એ બજારો છે કે જ્યાં લોકોને દિવાળી પર્વની ઉજવણીની વસ્તુઓ, કપડાં, રંગોળીના રંગો, તોરણ, દીવડા, ઘર સજાવટનો સામાન સહિતની દરેક આઈટમ તેમને અહીંયાથી મળી જાય. આ બજારોમાં રાતે તો ઝળાહળા ભર્યા દ્રશ્યો જોવા મળે છે. એમાં દિવાળીના 5 દિવસ દરમિયાન તો આ બજારો ગ્રાહકોથી છલકાઈ જાય છે. અત્યારે ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડીની દુકાનોમાં લોકો કપડાંની ખરીદી માટે વેઈટિંગમાં ઊભા રહેવા મજબૂર છે.
- Advertisement -
ખાસ કરીને બુધવાર, શનિવાર અને રવિવારે તો ત્યાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. આવા માહોલમાં સૌથી વધુ ખુશી જો કોઈને હોય તો તે છે વેપારીઓ. કારણ કે આખું વર્ષ તેઓ દિવાળી તહેવારની આતુરતાથી રાહ જોયા કરતા હોય છે. દિવાળી નજીક આવતાં વેપારીઓએ ફુલ સ્ટોક કરી લીધો છે, જેથી કરીને ગ્રાહકોને તેમની પસંદગીના કપડાં મળી રહે. સામાન્ય દિવસો કરતાં આ સમયે વેપારીઓને 4 ગણી વધારાની ઘરાકી મળી રહી છે. અનેક ગ્રાહકો તો એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈ આવે છે, જેથી ખરીદી દરમિયાન લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વેપારમાં પણ વધારો થયો છે. રાજકોટના લોકો મંદી હોવા છતાં મોજમાં રહે છે અને દરેક તહેવાર અને પ્રસંગને ધામધૂમથી ઉજવે છે.