પ્રા. રુચિર પંડ્યા આપણાં જીવનને પોતાની કલા સાધના અને કલાસ્વામીત્વથી સમૃદ્ધ અને આનંદિત કરનાર પં. શિવકુમાર શર્મા દિવંગત થયા એને એકાદ સપ્તાહ જેવું થયું. 1978 સુધી એમણે ફિલ્મમાં અન્ય સંગીત નિર્દેશકોના નિર્દેશનમાં સંતૂરવાદન કર્યું. આજે પણ ’જિંદગી કે સફરમેં ગુઝર જાતે હૈ જો મકામ’ કે “હૈ મૈને કસમ લી’ જેવા ગીતો સાંભળીએ ત્યારે એમના દ્વારા છેડાયેલા સંતુરના સૂર ચિત્તને પ્રસન્ન કર્યા વિના રહે નહીં. એમાં પણ અમર પિતા-પુત્ર એવા દાદા બર્મન અને પંચમ દા ની ફિલ્મોમાં એમણે કદાચ સૌથી વધુ યાદગાર સંતૂર વાદન આપ્યું છે. આ અંગે મુંબઈના પંચમપીડિયા ગણાતા શ્રી અજય શેઠ સાથે વાત થતી હતી અને એમણે એક સરસ કિસ્સો કહ્યો. દાદા બર્મન સ્વભાવે અત્યન્ત શિસ્તપ્રિય. કાંઈક યોગ્ય ન થાય તો એમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઉઠે. પંચમ દા અને બાસુ-મનોહારી મોટેભાગે એમના સહાયક/અરેન્જર હોય. જ્યારે દાદા ફિલ્મ ’તેરે મેરે સપને’ બનાવી રહ્યા હતા. ત્યારે પંચમ દક્ષિણ ભારતની ’લાખો મેં એક’ ફિલ્મમાં સંગીત આપી રહ્યા હતાં. એના કોઈ કામ માટે તેઓ બાસુ-મનોહારી સાથે મદ્રાસ ગયેલા. પાછળથી દાદા બર્મન ને ખબર પડી. એમનો પુણ્યપ્રકોપ ભભૂક્યો. એમણે તાબડતોબ શિવ-હરિ ને બોલાવ્યા અને ’જીવન કી બગિયા મેહકેગી’ માં શિવ હરિ ની જોડીને બોલાવી અને મ્યુઝિક અરેન્જ કરવા કહ્યું. એ સ્પષ્ટ સાંભળી શકાશે કે એ ગીતમાં મેલોડી સેક્શનમાં ફ્લુટ અને સંતૂર જ મુખ્ય છે. એટલે કે રિધમ સેક્શન સિવાય પં હરિપ્રસાદ ચૌરસિયા ની બાંસુરી અને પં શિવકુમાર શર્માનું સંતૂર છવાયેલું છે. આ વાત સ્વયં પં શિવકુમાર શર્મા એ એક મુલાકાતમાં કરી છે. આ અંગે વોટ્સએપમાં ખોટા મેસેજ પ્રસારિત થયા છે કે વરસાદ હતો અને તેથી સચિન દા એ શિવ-હરિને આખું ગીત બનાવવા કહ્યું. આ વાત ખોટી છે. પં. શિવકુમાર શર્મા ને રાહુલદેવ બર્મન માટે અત્યંત આદર હતો. તેઓ જાહેરમાં બોલ્યા છે “કે સચિન દેવ બર્મન જેવા ધુરંધર સંગીતસ્વામી પિતાની છાયામાંથી બહાર આવી પોતાનો અલગ માર્ગ કાઢવો એ અત્યંત કપરું કામ છે. મેં આર ડી બર્મનના એ સંઘર્ષને જોયો છે. રાહુલ દેવ બર્મન પર માન ઉપજે એ રીતે એમણે પુરુષાર્થ કર્યો છે.” અને એટલે જ શિવકુમારજીએ પોતાના પુત્રનું નામ પણ રાહુલ દેવ બર્મન ના નામ પરથી જ રાહુલ રાખ્યું હતું.
શિવકુમાર શર્મા અને બર્મન્સ

Follow US
Find US on Social Medias