શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા યોજાયેલી રથયાત્રામાં અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિના દિવસે બપોરે 2 વાગ્યે કોઠારીયા રોડ રાજકોટ ખાતે આવેલા કામલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનો આરંભ થયો હતો. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતો અને ભાવિક ભક્તો દ્વારા શિવ સ્તુતિ અને શિવ આરાધના કરવામાં આવી હતી.
મહાદેવની શાહી સવારીમાં મુખ્ય ધર્મરથમાં શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ, રામ ભગવાનના અયોધ્યા મંદિરની પ્રતિકૃતિનો રથ તેમજ અઘોરીના ગણ, ઘોડા, ઉંટ, સાસણ ગીરના પ્રખ્યાત આદિવાસી નૃત્ય એટલે કે સીદી બાદશાહની ધમાલ, ધ્રાંગધ્રાની પ્રખ્યાત રાસ મંડળી ડબલ ડેકર લાઈટીંગવાળી છત્રીઓ તેમજ નાના બાળકો શંકર-પાર્વતી અને સીતા-રામ અને હનુમાનજી બનીને રથયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત રાજસ્થાની ઢોલ અને નૃત્ય પણ જોવા મળ્યા હતા. આ રથયાત્રામાં વિવિધ સંસ્થાઓના ફ્લોટ્સ, સામાજિક તેમજ ધાર્મિક સંદેશ આપતા વાહનોનો કાફલો, બાઈક પર ભગવા ધ્વજ લઈને સવાર યુવાધનની ફોજ તેમજ પગપાળા ચાલતા ભાવિકોનું ઘોડાપુર જેવા વિવિધ આકર્ષણ જમાવ્યું હતું.