‘ખેલૈયો 420’ ઉપનામથી લખતા એક પાર્ટટાઈમ કવિ લખે છે કે, ‘દાંડિયા મેં ઘુસી વો ઈન્ડિયન આર્મી કી તરાહ, દિલ મેં સર્જિકલ સ્ટ્રાઈક કર ગઈ…’
એવું નથી કે ગરબાના ગ્રાઉન્ડ પર માત્ર ઢાંઢાઓ જ ગાંડા કાઢે છે. કેટલીક છોકરીઓ પણ ‘ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા‘ શબ્દો પર એવી એવી અંગભંગિમાઓ કરતી હોય છે કે કે જો અંબે મા એ ભાળી જાય તો એમને ત્યાંને ત્યાં ભસ્મ કરી મુકે!
કેટલાક નમૂનાઓ માટે તો આપણે મનોમન પ્રાર્થનાઓ કરવી પડે કે, ‘હે ગણપતિ બાપા, ‘દેવા શ્રી ગણેશા‘ સૉંગ પર ‘એક બાર આજા, ઝલક દિખલા જા…’ના સ્ટેપ કરનારાઓને મોટું પેટ રાખીને માફ કરી દેજો!’
- Advertisement -
- તુષાર દવે
રજનીકાંતના જમાઈ ધનુષની ફિલ્મ ‘રાંઝણા’માં એક મસ્ત ડાયલોગ હતો કે, ‘ગલી કે લોન્ડો કા પ્યાર અકસર ડોક્ટર ઓર એન્જિનિયર લે જાતે હૈ.’ આપણે ત્યાં શેરી-ગરબામાં રમનારાઓ સાથે પણ ઘણીવાર એવું બને છે કે શેરી-ગરબામાં જેની સાથે વર્ષો સુધી ‘રંગમાં રંગતાળી’ના તાલે ત્રણ તાલી લીધી હોય એ જ રમતુડી ‘હાથતાળી’ આપીને કોઈ પાર્ટીપ્લોટમાં રમનારી ‘પૈસાવાળી પાર્ટી’ સાથે સેટલ થઈ જાય છે! દિલોના ખેલમાં કન્યાના હાથના હારના બદલે હારનો સામનો કરનારા આવા ખેલૈયાઓ માટે પણ ‘રાંઝણા’ના એ ડાયલોગની જ તર્જ પર કહી શકાય કે, ‘શેરી-ગરબાવાલો કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!’
જાણકારો તો કહે છે કે શેરી-ગરબામાં આરતી ટાણે વારંવારની સૂચના છતાં ન આવનારા અને નાસ્તા ટાણે ગમે ત્યાંથી પ્રગટ થઈ જનારાઓ સાથે આવું જ થાય અને જાહેરમાં ‘યૌવન’ના નામે માત્ર યુવતીઓના જ ફોટા છાપવા બદલ અખબારોને ભાંડીને રોજ સવારે એ જ યૌવનના ફોટા નિહાળવા અખબાર ઉપાડતા દંભી યુવાનો સાથે તો ખાસ આવું થવું જોઈએ. હોવ…
સર્જિકલ સ્ટ્રાઈક શબ્દ આપણે ત્યાં ભલે છેલ્લા થોડા વર્ષોથી જ ચર્ચામાં આવ્યો હોય, પણ કહે છે કે એની શરૂઆત તો જ્યારે કનૈયો ગોપીઓ સાથે રાસ રમતો એ સમયના ભારતમાં રાસના મેદાનમાં થઈ હતી. કેમ? ગરબાના ગ્રાઉન્ડમાં આખા મેદાનની મેદનીને બાજુ પર રાખીને કોઈ એકના હદયને વિંધી જતી કોઈ એકની નજર શું કોઈ સર્જિકલ સ્ટ્રાઈકથી કમ હોય છે? ‘ખેલૈયો 420’ ઉપનામથી લખતા એક પાર્ટટાઈમ કવિએ તો લખ્યું પણ છે કે, ‘દાંડિયા મેં ઘુસી વો ઈન્ડિયન આર્મી કી તરાહ, દિલ મેં સર્જિકલ સ્ટ્રાઈક કર ગઈ.’ ઉફ્ફ… જીયો જીયો કવિ…! ગરબામાં કાળા ચશ્માનો ટ્રેન્ડ શરૂ થવા પાછળનું કારણ આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઈક્સ જ છે. એ કોઈ ઠાલી ફેશન નથી. એ પહેરીને રમવાનો એક ‘ગુપ્ત’ ફાયદો છે. કાળા ચશ્મા પહેરીને રમવાથી તમારી સર્જિકલ સ્ટ્રાઈક (ગ્રાઉન્ડના) કયા એરિયામાં ચાલી રહી છે અને લશ્કર ક્યાં ‘રાસ’ રમે છે એ કોઈ કળી શકતું નથી!
- Advertisement -
ક્લબ્સ અને પાર્ટી-પ્લોટ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાળા ચશ્મા ઉપરાંત બીજો પણ એક વિચિત્ર ટ્રેન્ડ ચાલુ થયો છે. આખુ ગ્રાઉન્ડ શાંતિથી રમતું હોય ત્યાં જ એકાદું ગ્રૂપ હુપાહુપ કરતું વચ્ચોવચ્ચ ઘુસી આવે અને જેને રાસ-ગરબા સાથે દૂર દૂર સુધી કોઈ નિસબત ન હોય એવા ચિત્ર-વિચિત્ર સ્ટંટ કરવા માંડે. એમાં પણ બે-ત્રણ ખેલૈયાઓ મોંમાં પેટ્રોલ ભરીને મોંમાંથી આગ કાઢવાના કરતબો બતાવવા લાગે ત્યારે બાળકો હેબતાઈ જાય અને આપણને સવાલ થઈ આવે કે સાલુ, આપણે રાસ-ગરબા જોવા આવ્યા છીએ કે કોઈ સર્કસ? વાત તો ત્યાં સુધીની ચર્ચાય છે કે બે-ચાર સ્ટંટબાજ ખેલૈયાઓને તો ગ્રેટ ગોલ્ડન સર્કસમાંથી ઓફર પણ આવી ગયેલી. આ લોકોએ સામે એમના જોકર્સ માગી લીધાં. એમ કહીને કે એમની (એટલે કે જોકર્સની) મદદથી અમે નવો ‘જોકર રાસ’ શરૂ કરીશું અથવા લોકોને કંઈક નવું આપવાના બહાને ‘જોકર સ્ટેપ’ ઈન્ટ્રડ્યુસ કરીશું. એ પછીથી ક્યારેય સર્કસવાળાઓ એ દિશામાં ફરક્યા નથી.
એવું નથી કે ગરબાના ગ્રાઉન્ડ પર માત્ર ઢાંઢાઓ જ ગાંડા કાઢે છે. કેટલીક છોકરીઓ પણ ‘ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા’ શબ્દો પર એવી એવી અંગભંગિમાઓ કરતી હોય છે કે કે જો અંબે મા એ ભાળી જાય તો એમને ત્યાંને ત્યાં ભસ્મ કરી મુકે! કેટલાક નમૂનાઓ માટે તો આપણે મનોમન પ્રાર્થનાઓ કરવી પડે કે, ‘હે ગણપતિ બાપા, ‘દેવા શ્રી ગણેશા’ સૉંગ પર ‘એક બાર આજા, ઝલક દિખલા જા…’ના સ્ટેપ કરનારાઓને મોટું પેટ રાખીને માફ કરી દેજો!’
બાય ધ વે, જેમને સારું રમતાં નથી આવડતું હોતું એ બધાં જ આવા નથી હોતાં. કેટલાક બીચાકડાં એવા પણ હોય છે કે જે રાહ જ જોતાં હોય કે ક્યારે ‘મુંબઈથી ગાડી આવી રે હો દરિયાલાલા…’ વાગે ને ક્યારે હડૂડૂહુશ કરતા ગાડીમાં જોડાઈ જઈએ? (કેમ કરતા? હડૂડૂહુશ કરતાં.) એમાંના કેટલાક તો એવા પણ હોય છે જે ‘મુંબઈથી ગાડી આવી રે…’ની શરૂઆત થાય કે તરત જ ગાડી બનાવી દેવાની એવી ઉતાવળમાં હોય કે બે-ચારને તો હડફેટે લઈ નાંખે. જો મોદીસાહેબ આ લોકોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સામેલ કરે તો પ્રોજેક્ટ બુલેટગતિએ પૂરો થઈ જાય. શરત માત્ર એટલી કે ગાડી આઈ મિન, બુલેટ બનાવતી વેળા સતત ‘મુંબઈથી ગાડી આવી રે…’ વાગતુ રહેવું જોઈએ. જોકે, કહે છે કે ટૂંક સમયમાં મોદીસાહેબ ‘મુંબઈથી ગાડી આવી રે…’ ગીત થોડું બદલાવીને ‘મુંબઈથી બુલેટ આવી રે…’ કરાવી નાખવાના છે! હોવ દરિયાલાલા… હમ્બો…હમ્બો…!
ગરબાના ગ્રાઉન્ડમાં તમે ક્યારેય એ નોંધ્યું કે કેટલાક ખેલૈયાઓના શરીરમાં ગરબા માટે જરૂરી લચક એટલે કે લવચીકતા (ફ્લેક્સિબિલિટી યુ નો) જ નથી હોતી. તમે માર્ક કરજો કે આવા લોકો ગરબા નહીં, પણ કોઈ પરેડ કરતા હોય એવું વધારે લાગશે! એ વાત અલગ છે કે હવે 377 પરના ચુકાદા બાદ જેમણે વર્ષોથી છુપાવી રાખી હોય એવા પુરુષોની ચાલમાં લચક દેખાતી થઈ ગઈ છે! હા 377ની મોજ હા…!
ક્લબ અને પાર્ટીપ્લોટ્સમાં એન્ટ્રી માટે જ્યારથી ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત થયા ત્યારથી એક સત્ય એ પણ સામે આવ્યું છે કે ટ્રેડિશનલમાં છોકરીઓ મોટેભાગે મસ્ત જ લાગે, પણ છોકરાઓ ક્યારેક ડાગલા જેવા લાગે છે!
એવી જ રીતે પરંપરાગત શેરી-સોસાયટીના ગરબાઓ પર ક્લબ-પાર્ટી પ્લોટ્સ હાવી થયા ત્યારથી ‘ટહુકા કરતો જાય મોરલીયો’ ગીતમાં સાથોસાથ જોર જોરથી ‘ટેહુંક…ટેહુંક’નો કેકારવ કરતાં કલાકારો લુપ્તતાના આરે આવી ગયા છે. આવી બધી કલા-કારીગરીઓ જોવા આવનારા ફોરેનર્સ સાથે ઘણી વાર જબરી ગમ્મત થઈ જતી હોય છે. એક ફોરેનર યુવતી કહેતી હતી કે, ‘હેય, મારે દોઢીયું પહેરવું.’ કોઈએ એને ટોકવી પડી કે, ‘ધીમે બોલો બેન, એને કેડિયું કહેવાય. દોઢીયું તો લેવાનું હોય.’ એ ભોળુંળીનું ભલું કરે ભવાની મા. હોવ…
ફ્રી હિટ :
‘કલ રાત માતા કા મુજે ઈ-મેલ આયા હે…’ ગીત સાંભળી જાય તો દયારામ સ્વર્ગમાં જાતે જ પોતાની જાતને કોરડા ફટકારવા માંડે…! હોવ…હમ્બો…હમ્બો…!