મંદિરમાં છેલ્લા 103 વર્ષથી અખંડ જ્યોત ચાલે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
રાજ્યમાં નવરાત્રી બાદ શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીના મંદિરોમાં મોટી સંખ્યામાં માઈભક્તો આરાધના માટે પહોંચ્યા હતા ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં અતિ પૌરાણિક ગણાતા વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિર સ્ટેટ (રાજાશાહી) વખતનું અંદાજીત 125 વર્ષ જુનુ છે. ત્યારે આ વાઘેશ્વરી માતાજીના મંદિરે દર વર્ષની માફક શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે છેલ્લા 103 વર્ષથી દીવાની અખંડ જ્યોત ચાલે છે સાથે શરદ પૂનમના દિવસે વાઘેશ્વરી માતાજીની પાલખી યાત્રા પણ કાઢવામાં આવે છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ શહેરના વિવિધ મંદિરોમાં પધરામણી કરાવવામાં આવે છે જેમાં માઈ ભક્તોના ઘરે માતાજીની પધરામણી થતા માતાજીની પૂજા અર્ચના કરાય છે. શરદ પૂનમે રાતે 9થી 12 સુધી આ પાલખી શહેરન વિવિધ વિસ્તારોમાં પધરામણી કરે છે ત્યાર બાદ માતાજી વિહાર કરીને મંદિરે પરત આવતા માઈ ભકતો દ્વારા જુના પ્રાચીન ગરબા ગાઈને મોડી રાત્રે 12 વાગ્યાના સમયે વાઘેશ્વરી માતાજીની મહાઆરતી કરવામાં આવે છે. વર્ષો પૂર્વેથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જોવા મળે છે જેમાં શહેરના ધનિક વેપારીઓ પણ અચૂક હાજરી આપે છે.



