‘500 વર્ષોનો વિવાદ સમાપ્ત થયો, આ હર્ષનો વિષય’
કાર્યક્રમનો વિરોધ કર્યો હોવાના ભ્રામક સમાચારોનું કર્યું ખંડન
- Advertisement -
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ચાર જગદગુરુ શંકરાચાર્યો ચર્ચામાં છે ત્યારે દ્વારકા શારદાપીઠ અને શ્રીંગેરી મઠના શંકરાચાર્યોએ રામભક્તો માટે ખાસ સંદેશ પાઠવ્યો છે. જેમાં તેમણે ભક્તોને અયોધ્યામાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સહભાગી થવા માટે અપીલ કરી છે અને સાથોસાથ મીડિયા-સોશિયલ મીડિયામાં તેમના નામે ચાલતાં નિવેદનોને પણ રદિયો આપ્યો છે.
દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ એક નિવેદનમાં જણાવ્યું કે, રામજન્મભૂમિ અયોધ્યા મામલે શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ ગુજરાત તરફથી કોઇ વકતવ્ય પ્રસારિત કરવામાં આવ્યું નથી અને કોઇ સમાચારપત્રમાં પ્રકાશિત સમાચાર જગદગુરુ શંકરાચાર્ય મહારાજની આજ્ઞા વગર પ્રકાશિત થયા છે, જે ભ્રામક છે.
તેમણે આગળ કહ્યું કે, રામજન્મભૂમિ પ્રાપ્ત કરવા માટે રામાલય ટ્રસ્ટ અને રામજન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિના માધ્યમથી ગુરૂદેવ ભગવાને અનેકાનેક પ્રયાસ કર્યા હતા અને લગભગ 500 વર્ષ બાદ વિવાદ સમાપ્ત થયો છે. જે સનાતન ધર્માવલંબીઓ માટે પ્રસન્નતાનો વિષય છે. અમે ઇચ્છીએ છીએ કે અયોધ્યામાં યોજાનાર પરમાત્મા શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના તમામ કાર્યક્રમ વેદ-શસ્ત્રાનુસાર, ધર્મશાસ્ત્રોની મર્યાદાનું પાલન કરીને વિધિવત સંપન્ન થાય. બીજી તરફ શૃંગેરી પીઠના જગદગુરુ શંકરાચાર્ય ભારતીતીર્થ મહારાજ તરફથી પણ એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જે તમામ આસ્તિકો માટે અત્યંત હર્ષનો વિષય છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલતા અપપ્રચારને લઈને કહેવામાં આવ્યું કે, પીઠાધીશ્વર શંકરાચાર્ય ભારતીતીર્થજી મહારાજના નામે જે સંદેશ પ્રસારવામાં આવી રહ્યો છે તેનાથી પ્રતીત થાય છે કે તેઓ આ પવિત્ર પ્રાણપ્રતિષ્ઠાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ તેમણે આવો કોઇ પણ પ્રકારનો સંદેશ આપ્યો નથી.
‘આ માત્ર અમુક ધર્મદ્વેશીઓનો મિથ્યાપ્રચાર છે’ તેમ કહીને ઉમેરવામાં આવ્યું કે, તમામ આસ્તિકોને વિનંતી છે કે આ પ્રકારના દુષ્પ્રચાર પર ધ્યાન ન આપે. સાથે લખવામાં આવ્યું કે, શૃંગેરી શંકરાચાર્યજી આશીર્વાદ આપે છે કે અતિપાવન અને દુર્લભ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સંદર્ભમાં યથાયોગ્ય ભાગ લઈને તમામ આસ્તિકો ભગવાન શ્રીરામચંદ્રજીના કૃપાપાત્ર બને.
સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી