7 વર્ષમાં ત્રણ પ્રદેશ પ્રમુખના રાજીનામા, ધારાસભ્ય શૈલેષ પરમાર કામચલાઉ પ્રમુખ બન્યા
જવાબદારી સ્વીકારી રાષ્ટ્રીય અધ્યક્ષને રાજીનામું મોકલ્યું છે: શક્તિસિંહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. આ પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગર પાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતા અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
શક્તિસિંહે જણાવ્યું હતું કે 30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. સારાં પરિણામો નથી આવ્યાં એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.
- Advertisement -
શહેર અને જિલ્લા- પ્રમુખોની નિયુક્તિ અંગે કહ્યું હતું કે જિલ્લાકક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઇસીસીએ તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે. એ બાદ જિલ્લા- પ્રમુખોનાં નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યાં છે. પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોઈ શકે છે. ત્રણ મહિને જિલ્લા-પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. એ બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા-પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા-પ્રમુખો નહીં, પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યાં એ પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યાં હતાં.’ ’હું નહોતો ઇચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશાં કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તોપણ સારું લાગત.’



