અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂ. 1632 કરોડનો મેગા પ્લાન
ચાચર ચોક તેજ વિવિધ સરોવરોનું થશે બ્યુટિફિકેશન
મેળા-ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુ માટે યાત્રી નિવાસ સુવિધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુની આસ્થાનાં પ્રતિક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુ ઉમટે છે. આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે અને રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અને અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ બંને તીર્થસ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અને અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત તેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે.
- Advertisement -
શક્તિ કોરિડોર સહિત અનેક નવી સુવિધાઓ ઉમેરાશે
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1632 કરોડ છે કે જે બે તબક્કામાં અમલમાં મૂકાશે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કાની કામગીરી ટુંક સમયમાં શરૂ થઈ જશે કે જેના હેઠળ મુખ્ય આકર્ષણ છે અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કોરિડોરનું નિર્માણ. આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે. બીજા તબક્કામાં અંદાજે રૂ. 682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.
ચાચર ચોકનું વિસ્તરણ, ગેલેરી જેવા આકર્ષણો
ચાચર ચોકનું વિકાસ ત્રણ ગણુ વિસ્તરણ કરાશે. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે. ગબ્બર પર્વત પર મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સંકલન કરવામાં આવશે.