- શૈલેષ સગપરિયા
ચીનના પર્વતીય વિસ્તારમાં રહેતો ઝુ કાંગ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માત્ર બે જ સભ્યો છે ખ્ર્ એ અને એનો નાનો દીકરો. પત્ની તો છોડીને જતી રહી છે. દીકરો અંધ અને વિકલાંગ છે. પોતાની ગેરહાજરીમાં દીકરાએ બીજા કોઈ પર આધારિત ન રહેવું પડે એટલે ઝુ કાંગે શિક્ષણના માધ્યમથી દીકરાના ભવિષ્યને કંડારવાનો સંકલ્પ કર્યો. અંધ અને વિકલાંગ બાળકને સ્વીકારવા કોઈ સ્કૂલ તૈયાર નહોતી, પણ હાર માનીને બેસી જાય એવો આ પિતા નહોતો.
ઘરથી લગભગ સાત કિલોમીટર દૂર એક સ્કૂલ એના દીકરાને સ્વીકારવા માટે તૈયાર થઈ. પણ આ સ્કૂલ સુધી પહોંચવા વાહનની કોઈ સુવિધા નહોતી. સ્કૂલ સુધી પહોંચવાનો રસ્તો સાવ પથરાળ અને નદી પર્વત પરથી પસાર થાય એટલે કોઈ વાહન ચાલે પણ નહીં. ઝુ કાંગે એનો ઉપાય શોધી લીધો. દીકરાને ઊભા રહેવામાં અનુકૂળ આવે એવો એક ટોપલો બનાવ્યો. છોકરાના પગ પણ વળી ગયેલા છે એટલે એ સામાન્ય માણસની જેમ ઊભો પણ ન રહી શકે એટલે એના માટે ખાસ ટોપલો બનાવ્યો. આ ટોપલામાં લઈને પિતા એના દીકરાને સાત કિલોમીટર દૂર શાળાએ મૂકવા માટે જાય.
- Advertisement -
ઝુ કાંગ રોજ સવારે પાંચ વાગે જાગી જાય. દીકરા અને પોતાના માટે રસોઈ બનાવે પછી દીકરાને તૈયાર કરી પોતાના ખભા પર બેસાડી સાત કિલોમીટર દૂર ચાલીને શાળાએ પહોંચે. દીકરાને શાળાએ મૂકી પાછા ઘરે આવે કારણ કે ઘર ચલાવવા કામ પણ કરવું પડે. શાળા પૂરી થાય એટલે પાછા દીકરાને લેવા જાય અને ફરીથી ચાલીને ઘરે આવે. આમ ઝુ કાંગ રોજના 28 કિલોમીટર ચાલે.
ઝુ કાંગનું દીકરા પ્રત્યેનું આ સમર્પણ રંગ લાવી રહ્યું છે. એનો દીકરો અંધ અને અપંગ હોવા છતાં આખા ક્લાસમાં પ્રથમ નંબર લાવે છે. ઝુ કાંગને પૂછવામાં આવ્યું કે તમને થાક નથી લાગતો ? એક માણસ આટલું કામ કેવી રીતે કરી શકે ? એમણે જવાબ આપેલો, “દીકરા માટે કંઈ કરીએ તો થાક લાગે નહીં પણ થાક ઊતરી જાય.”
કેટલાય પિતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમના સંતાનના ભવિષ્ય માટે પોતાની જાત ઘસી નાંખતા હોય છે. ઝુ કાંગ જેવા તમામ પિતાઓને કોટિ કોટિ વંદન. પિતા તરીકે અંતરદૃષ્ટિ પણ કરીએ કે આપણે આપણા સંતાનને સમય આપી શકીએ છીએ કે ખાલી સુવિધાઓ જ આપીએ છીએ ?
- Advertisement -
ધ્યેય પ્રત્યેના સમર્પણનું સુખદ પરિણામ
હરિયાણાના સોનીપતની વતની મધ્યમવર્ગીય પરિવારની દીકરી અનુકુમારી ભણવામાં ખૂબ હોશિયાર હતી. હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂરો કરીને દિલ્હીની હિન્દુ કોલેજમાં એડમિશન લીધું. સોનીપતથી દિલ્હી રોજ બસમાં અપડાઉન કરીને ફિઝિક્સ વિષય સાથે એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. MBA કરવા માટે પૂના ગઈ અને ત્યાંથી જ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં નોકરી માટે એની પસંદગી થઈ.
ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડમાં સારા પગારથી નોકરી મળી. થોડા સમયમાં લગ્ન થયાં અને પોતાની ઘરગૃહસ્થીમાં પરોવાઈ ગઈ. ફૂલ જેવા એક દીકરાનો જન્મ થયો. નોકરી અને પરિવારમાં સમય પસાર થઈ રહ્યો હતો. અનુકુમારીને એવું લાગતું હતું કે હજુ એની ક્ષમતાઓનો એ પૂર્ણપણે ઉપયોગ નથી કરી શકતી.
શાળા-કોલેજના અભ્યાસ દરમ્યાન શિક્ષકોએ યુપીએસસીની પરીક્ષા આપીને કલેક્ટર બનવાનાં સપનાં બતાવેલાં, ત્યારે તો અનુએ પોતાના શિક્ષકોની વાતો પર બહુ ધ્યાન નહોતું આપ્યું. પણ હવે જ્યારે જીવનમાં ઠરીઠામ થઈ ત્યારે યુપીએસસીની પરીક્ષા આપીને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો. પરિવારમાં બધાને વાત કરી અને આ માટે બધા તરફથી સહકાર મળ્યો.
જૂન 2016માં Žચા પગારની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ. લોકો વાતો કરતા હતા કે બે વર્ષના દીકરાની મા દેશની અઘરામાં અઘરી પરીક્ષા આ ઉંમરે શું પાસ કરવાની ! પણ અનુકુમારી કોઈની વાતો સાંભળ્યા વગર પોતાના કામમાં લાગી ગઈ. દીકરો વિઆન જો સાથે હશે તો વાંચવામાં ધ્યાન નહીં લાગે એવું જણાતાં દીકરાને પોતાની માતાને ત્યાં મૂકી આવી અને પોતે માસીબાને ત્યાં ગામડે વાંચવા માટે જતી રહી.
દીકરાથી દૂર રહીને એ ખૂબ દુઃખી થઈ, પણ દેશ માટે કંઈક કરવું હતું અને એ માટે થોડું તો બલિદાન આપવું જ પડે. જ્યારે દીકરાને મળે ત્યારે મા-દીકરો બંને ચોધાર આંસુએ રડે. યુપીએસસીની પ્રથમ પરીક્ષા વખતે તો બરોબર તૈયારી નહોતી થઈ શકી એટલે એ નાપાસ થઈ. સવારના 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની જાતમહેનતના ફળ સ્વરૂપે બીજા પ્રયત્નમાં એ સફળ રહી. 4 વર્ષના દીકરાની માએ યુપીએસસીના પરિણામમાં ડંકો વગાડયો અને સમગ્ર ભારતમાં બીજો નંબર મેળવ્યો. પોતાની મહેનત, પરિવારનો સાથ અને ભગવાનની કૃપાથી કલેક્ટર બનવાનું સપનું બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં સાકાર થઈ ગયું.
આપણી પાસે તમામ સુવિધાઓ હોવા છતાં, તમામ પ્રકારની અનુકૂળતાઓ હોવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે આપણે આપણી જાતને આપણા ધ્યેય પ્રત્યે સમર્પિત કરી શકતા નથી.