હજારો લોકોની અવરજવર વચ્ચે ગંદકીના તળાવડા, રોગચાળાનો ભય
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
શહેરના સૌથી વ્યસ્ત એવા શનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેન્ડના ગેટ પાસે ભૂગર્ભ ગટર છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહી છે. ગટરની ગંદકી રોડ પર વહેતી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચી રહી છે, જ્યારે બીજી તરફથી નદીની માફક ગંદુ પાણી વહેતા જીઆઈડીસી સુધી પહોંચે છે.
- Advertisement -
ગટરના આ ગંભીર પ્રશ્નને કારણે નવા બસ સ્ટેન્ડ અને સુપર માર્કેટ રોડ પર ગંદા પાણીના તળાવડા ઉભા રહી ગયા છે. રોજ હજારો વિદ્યાર્થીઓ, મુસાફરો તથા ખરીદી માટે આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વેપારીઓએ જણાવ્યા મુજબ, આ સમસ્યાની તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. હાલ વરસાદી માહોલ વચ્ચે ગટરની ગંદકી રોગચાળાનું જોખમ ઊભું કરી રહી છે. આ પરિસ્થિતિએ મનપાના સ્વચ્છતા અભિયાનને નાટક ગણાવતાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના હૃદય સમાન એવા શનાળા રોડ – નવા બસ સ્ટેન્ડ અને સુપર માર્કેટ વિસ્તારમાં જ તંત્ર વામણું પુરવાર થાય છે તો છેવાડાના વિસ્તારોમાં સમસ્યાઓ હલ થવાની આશા કેવી રીતે રાખી શકાય?