ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.27
ફ્રાન્સમાં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. વાવાઝોડાં અને અતિ ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. પેરિસ અને મ્યેનમાં જુદા જુદા કિસ્સામાંબે લોકોનાં મોત થયા છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં પેરિસમાં હાલાકી સર્જાઈ છે. સ્કૂલ-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. પેરિસના પ્રવાસન સ્થળોને તુરંત બંધ કરાવીને પ્રવાસીઓને સલામત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા. ફ્રાન્સમાં પેરિસ સહિતના ઘણાં સ્થળોએ વાવાઝોડાં સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે પેરિસમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. પેરિસમાં તમામ આઉટડોર એક્ટિવિટી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ હતી. વરસાદી ઘટનાઓમાં ફ્રાન્સમાં ત્રણ લોકોનાં મોત થયા છે. લગભગ બે ડઝનથી વધુને ઈજા પહોંચી છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ફ્રાન્સમાં પેરિસ સહિતના ઘણાં શહેરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.
1.10 લાખ ઘરોમાંથી વીજળી ગૂલ થયાની ફરિયાદ નોંધાઈ હતી. લાખો લોકો અંધારપટ્ટમાં રાત વીતાવશે. 120 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા જનજીવનને અસર થઈ હતી. વડાપ્રધાન ફ્રેન્કોઈસ બેયરોઉ સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ સંસદભવનની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. લાઈવ ભાષણ વખતે વડાપ્રધાને એ બતાવીને કહ્યું હતું કે આ જુઓ! કેવો ભયાનક વરસાદ વરસી રહ્યો છે. આ ઘટના પછી સંસદનું સત્ર તાત્કાલિક અસરથી રદ્ કરી દેવાયું હતું. ફ્રાન્સની સંસદમાં મધ્યપૂર્વની કટોકટી બાબતે ચર્ચા ચાલી રહી હતી. ફ્રાન્સના પૂર્વના વિસ્તારોમાં ગરમીનો અનુભવ થયો હતો, પરંતુ પશ્ર્વિમના ભાગોમાં ભારે વરસાદ હતો. હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.



