- ૨૦૨૦ -૨૧ માં કુલ ૧૭૨ પશુ આરોગ્ય મેળાનું આયોજન, ૮૬,૩૦૮ પશુઓને વિનામૂલ્યે સારવાર
- ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનુ, ૨૫ જેટલા મોબાઇલ પશુ દવાખાનાઓ
- ‘’૧૨ દૂધાળા પશુ યોજના તળે ૧૪ લાભાર્થીઓને મંજૂરી
- વર્ષ ૨૦૨૧ માં કુલ ૫.૫૦ લાખ પશુઓને ખરવા મોવાસા રોગ વિરોધી રસી
રાજકોટ – રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય, પશુ સંવર્ધન અને વિસ્તરણ સેવાઓનો લાભ પશુપાલકોને ગામ બેઠા વિનામૂલ્યે મળી રહે તેમજ પશુપાલન ઉદ્યોગ ખેતી સમકક્ષ બની ખેડુતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા વિવિધ મેળાઓ અને આરોગ્યલક્ષી સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.
પશુ આરોગ્ય મેળા – પશુ ચિકિત્સા સેવા
- Advertisement -
વર્ષ ૨૦૨૦ -૨૧માં રાજકોટ જિલ્લામાં કુલ ૧૭૨ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૬,૩૦૮ પશુઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, જેના થકી ૭૮૫૦ લાભાર્થીઓને પશુ મેળાનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૧ માં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ ૮ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમા ૫૯૪૯ પશુઓની સારવાર કરવામાં આવી છે, ૪૫૨ જેટલા લાભાર્થીઓએ આ પશુ મેળાનો લાભ લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા પશુ ચિકિત્સા સેવાઓમાં નિરંતર વધારો થાય તે હેતુથી મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના, ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનુ, પશુઓમાં રસીકરણ કૃમિનાશક સારવાર ઝુંબેશ વગેરે અમલમાં મૂકવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ૨,૧૩,૯૯૯ પશુઓને વિવિધ પ્રકારની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામા ૨૫ જેટલા મોબાઇલ પશુ દવાખાનાઓ સ્થાપવામાં આવ્યા છે.
૧૨ દૂધાળા પશુ યોજના
- Advertisement -
પશુપાલકોની આવક બમણી કરવાના સંકલ્પ પરિપૂર્ણ કરવા અને પશુપાલન વ્યવસાય થકી ગ્રામ્ય રોજગારીનું નિર્માણ થાય તે માટે ‘’૧૨ દૂધાળા પશુ યોજના તળે ફાર્મની સ્થાપના માટે પશુઓની ખરીદી પર વ્યાજ સહાય, પશુ વીમા સહાય તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ માટે સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં રાજકોટ જિલ્લામાં ૧૪ લાભાર્થીઓને મંજૂરી આપવામાં આવી છે.
સહકારી દૂધ ઉત્પાદક સંઘ યોજનાઓ
ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના દરેક જિલ્લામાં જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના સંકલ્પ સાથે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ બલ્ક મિલ્ક કુલર, ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ, મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, ગ્રામ્યકક્ષાએ દૂધ ઉત્પાદન માટે દૂધઘર બાંધકામ સહાય પૂરી પાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં સહકારી માળખાને અસર કરવા માટે દૂધ સંઘ દ્વારા ૧.૫૦ કરોડ રૂપિયાની સરકારી સહાય થકી પનીર પ્લાન્ટ સ્થાપવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
પશુઓને ચેપી રોગથી બચાવવા માટે દરેક પશુઓને નિશુલ્ક રસીકરણ કરી આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૧ માં કુલ ૫.૫૦ લાખ પશુઓને ખરવા મોવાસા રોગ વિરોધી રસી આપવામાં આવી છે.
કૃત્રિમ બીજદાન
પશુપાલકોની આવકમાં વધારો થાય તે માટે રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ પણ અમલી બનાવાયો છે. કૃત્રિમ બીજદાનથી જન્મેલા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીઓના ઉછેર માટે પશુપાલકોને સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ૨૦૨૦-૨૧ માં રાજકોટ જિલ્લામાં કુલ ૧૫૦ લાભાર્થીઓને ૪.૫૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.