આસપાસના 12 ગામનાં નાગરિકોએ ઘર આંગણે લાભ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચીત ન રહે તે માટે મુળી તાલુકા વહીવટીતંત્ર દ્વારા શેખપર ખાતે ‘સેવા સેતુ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુળી મામલતદાર આર. ડી. પટેલ દ્વારા જણાવ્યું હતું કે, આ સેવા સેતુ કાર્યક્રમમાં શેખપર, ગોદાવરી, દિગસર, દાણાવાડા, લીમલી, ચાણપર, કુકડા, જશાપર, નળિયા, નવાણીયા, હેમતપર, ગૌતમગઢ સહીત કુલ 12 જેટલા ગામનાં નાગરિકોએ લાભ મેળવ્યો હતો. જેમાં ડીવમીંગને લગતી 375 અરજી, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી બાબતે 316 અરજી, રેશનકાર્ડમાં નામ દાખલ, સુધારા – વધારા માટે 45 અરજી, આવકના દાખલા માટે 20 અરજી સહીત નમોશ્રી યોજના, મિલકત આકારણીનો ઉતારો, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ 1301 અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો 100% હકારાત્મક ઉકેલ લવાયો હતો. તદુપરાંત 120 જેટલા લોકોને ડાયાબીટીસ અને બીપીની ચકાસણી કરી હેલ્થ વેલનેસ કાર્ડ, 18 જેટલા લોકોને મેડિસન સારવાર આપવામાં આવી હતી.