સ્વચ્છતા અભિયાનથી લઈને રક્તદાન શિબિર સુધીના અનેક સેવાકીય કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (તા. 17 સપ્ટેમ્બર) નિમિતે સમગ્ર દેશમાં જેમ “સેવા પખવાડિયા” ઉજવાશે, તેમ પોરબંદરમાં પણ તા. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
- Advertisement -
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત મંડળોના પ્રમુખો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સેવા પખવાડિયાના ઇન્ચાર્જ તરીકે લક્કીરાજસિંહ વાળા અને મશરીભાઈ ખૂંટીની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે કેતનભાઈ દાણી આયોજનમાં માર્ગદર્શન આપશે. કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા અભિયાન, “એક પેડ મા કે નામ” વૃક્ષારોપણ, રક્તદાન શિબિર, આરોગ્ય શિબિર, વડાપ્રધાનના જીવન પર દસ્તાવેજી ફિલ્મ પ્રદર્શન, દિવ્યાંગોનું સન્માન, “વોકલ ફોર લોકલ” પ્રચાર, પુસ્તકોનું વિતરણ, રમત-ગમત તથા ચિત્ર સ્પર્ધાઓ, મોદી વિકાસ મેરેથોન અને પ્રદર્શની યોજાશે.
તા. 25 સપ્ટેમ્બરે પંડિત દિન દયાળ ઉપાધ્યાય જયંતિ તથા તા. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાશે.