આરોપી અદાલતી પ્રોેસસનો દૂરઉપયોગ કરતો હોય ત્યારે કોષ્ટ સાથે રિવિઝન રદ્દ કરવી જોઇએ : સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કોષ્ટ સાથે રિવિઝન નામંજૂર થવાના ભાગ્યે જ કિસ્સા બનતાં હોય છે, આવો એક કિસ્સો રાજકોટની સેશન્સ અદાલતમાં તાજેતરમાં બનવા પામ્યો છે. જેમાં આરોપી ભવ્યેશ ભોગીલાલ મંદાણીએ તેની સામે ચાલતા ચેક રિટર્નના કેસના કામે ટ્રાયલ કોર્ટમાં ચેક એફ.એસ.એલ.માં મોકલવા આપેલી અરજી નામંજૂર થતાં તે હુકમ સામે સેશન્સ અદાલતમાં રિવિઝનના માધ્યમથી પડકારવામાં આવેલો. તે રિવિઝન ચાલી જતાં રૂા. 5000ની કોષ્ટ ફટકારી અને રિવિઝન અરજી રાજકોટના એડિ. સેશન્સ જજે નામંજૂર કરતો ફરમાવેલો હુકમ ચર્ચાનો વિષય બની રહ્યો છે, એટલું જ પૂરતું ન હોય તે હુકમ સ્ટે કરવા આપેલી અરજી પણ નામંજૂર કરવામાં આવેલી છે.
કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં ગુંદાવાડીમાં રહેતાં પ્રફુલ શાંતિલાલ પારેખે અક્ષરનગર-2, અમો હોસ્પિટલ સામેની શેરી, લાખના બંગલાવાળો રોડ, રાજકોટમાં રહેતાં આરોપી ભવ્યેશ ભોગીલાલ મંદાણી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરિયાદ દાખલ કરેલી કે ફરિયાદીને નાણાની જરૂરિયાત પડતાં ઈસ્ટઆફ્રીકામાં રહેતાં તેના સાળા ધવલ રાણપરા પાસે માગણી કરતાં 10000 યુ.એસ.ડી. ડોલર ફરિયાદીને આપેલ અને ડોલરને ઈન્ડિયન કરન્સીમાં ફેરવવાનું કામ કરતાં અને જે તે સમયે એચ.ડી.એફ.સી. બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે એન.આર.આઈ. સર્વિસ રાજકોટમાં કામ કરતાં આરોપી ભવ્યેશ ભોગીલાલ મંદાણીનો સંપર્ક કરતાં તેઓએ જે તે સમયે રૂા. 7,45,000 ઈન્ડિયન રકમ થતી હોય જે રકમ ફરિયાદીને આપે તે પહેલાં તે જ અરસામાં કોરોના વાયરસ આવી જતાં લોકડાઉનના કારણે સમગ્ર કામકાજ અને વ્યવહારો ઠપ્પ થઈ જતાં બાદ અવારનવાર નાણાની માગણી કરતાં આરોપીએ ફરિયાદીને રકમ રૂા. 7,45,000નો તેઓની બેંકનો સહી કરી ચેક ઈસ્યુ કરી આપેલી તે રિટર્ન થશે નહીં તેવા આપેલા વચન, વિશ્ર્વાસ મુજબ વર્તેલા નહીં અને ચેક રિટર્ન થતાં તે અન્વયે રાજકોટની અદાલતમાં દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો, તે કેસ ચાલી જતાં છેલ્લા તબક્કે આરોપી તરફથી ચેક એફ.એસ.એલ.માં મોકલવા આપેલી અરજી ટ્રાયલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતાં તે હુકમને રિવિઝનના માધ્યમથી નામદાર સેશન્સ અદાલતમાં પડકારવામાં આવેલો હતો.
ઉપરોક્ત રિવિઝન ચાલવા પર આવતા એપેલન્ટ આરોપીએ ચેક એફ.એસ.એલ.માં મોકલવા લંબાણપૂર્વક કરેલી દલીલો અને રજૂ રાખેલા ચૂકાદાઓ સામે ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે ચેકમાં સહી સંબંધે કે ચેક ઈસ્યુ કરી આપેલા સંબંધે નોટીસ રિપ્લાયથી કે ઉલટતપાસથી તકરાર લેવામાં આવેલી નથી, ચેકમાં સહી ફોર્જ હોવાની કરેલી રજૂઆત ટકવા પાત્ર ન હોય કારણ કે ચેક ફંડસ ઈનશફીસીયન્ટના કારણે રિટર્ન થયેલા છે, સાઈન ડીફરના કારણે નહીં તેમજ જૂના વ્યવહારના ચેકનો દુરુપયોગ કરેલાની રજૂઆત કરેલી હોય પરંતુ તેવો કોઈ જૂનો વ્યવહાર આરોપી રેકર્ડ પર લાવેલા નથી તેમજ બીજીબાજુ ફરિયાદીએ આરોપી પાસેથી બળજબરીથી ચેક લઈને ખોટો કેસ કરેલાની રજૂઆત કરેલી છે એ રીતે આરોપી પોતે જ પોતાના બચાવમાં ફરતું બોલી રહેલાં છે, સમગ્ર રજૂઆત કેસની ફાઈનલ દલીલ હોય તે રીતે કરવામાં આવેલી છે, ચેક શા માટે એફ.એસ.એલ.માં મોકલવો તે સંબંધે કોઈ રજૂઆત થયેલી નથી, પ્રીસીડીંગ જોતાં આરોપી ટ્રાયલ ડીલે કરી રહેલા છે અને અદાલતની પ્રોસેસનો દુરુપયોગ કરી રહ્યા છે.
બંને પક્ષોની રજૂઆતો, રેકર્ડ પરનો પુરાવો અને રજૂ કરવામાં આવેલા ચૂકાદાઓ તથા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવો લક્ષે લેતાં ફરિયાદીએ આરોપીને આપેલા ડિમાન્ડ નોટીસનો જવાબ આપવામાં આવેલો નથી, શરૂઆતથી ચેકમાં પોતાની ખોટી સહી હોવાનો કોઈ બચાવ લીધેલો નથી, આરોપી દ્વારા ખોટી સહી સંબંધે ફરિયાદી સામે કોઈ ફરિયાદ કરવામાં આવેલી નથી, આરોપીનો ચેક ફરિયાદી પાસે કેવી રીતે આવ્યો તે પણ આરોપી બતાવી શકેલા નથી, ફરિયાદીની ઉલટતપાસ બાદ એફ.એસ.એલ. પણ લેવાય ગયેલા છે અને કામ દલીલ પર છે, સમાધાન પુરસીસ તથા આરોપીએ લખી આપેલી ચીઠી રેકર્ડ પર છે, તકરારી ચેક સહી ડીફરના કારણે નહીં પરંતુ ફંડસ ઈનશફીસીયન્ટના શેરાથી રિટર્ન થયેલો છે, ટ્રાયલ કોર્ટનો હુકમ યોગ્ય છે તેમાં કાયદા તથા હકીકતની દૃષ્ટિએ કોઈ ભૂલ ન હોય હસ્તક્ષેપ કરવાનું ઉચિત જણાય આવતું ન હોય રિવિઝન અરજી ખર્ચ સહિત નામંજૂર કરી ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખતો સિમાચિન્હરૂપ ચૂકાદો રાજકોટના એડિ. સેશન્સ જજે ફરમાવેલો છે. જે ચૂકાદા સામે હાઈકોર્ટમાં જવા હુકમ સ્ટે કરવા આપવામાં આવેલી અરજી પણ નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં ફરિયાદી પ્રફુલ પારેખ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલા હતા.



