આરોપી વલ્લભભાઈ વેકરીયાને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલતી કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રણછોડનગરમાં રહેતાં ઓસ્કાર ઓર્નામેન્ટના નામે ચાંદીના દાગીનાનો વેપાર કરતાં ભાવીન તુલસીભાઈ રામાણીએ રણછોડનગરના ચાંદીના વેપારી અને સ્વાતી સોસાયટી, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ ઉપર રહેતાં મારુતી ઓર્નામેન્ટના વલ્લભભાઈ વેકરીયા સામે રાજકોટની અદાલતમાં રૂા. 10,00,000ના ચેકો રિટર્ન થવા અંગે અલગ અલગ પાંચ ફોજદારી ફરિયાદો દાખલ કરેલી, ફરિયાદી વેપારીઓ ચાંદીના લાખો રૂપિયાના દાગીના આરોપીને આપેલા હતા અને તે અંગે આરોપીએ અલગ અલગ રકમના ચેકો સહી કરી આપેલા જે ચેકો વગર વસુલાતે પરત ફરેલા જેથી ફરિયાદીએ અદાલતમાં ફરિયાદો દાખલ કરેલી હતી. જેથી અદાલત ફરિયાદોને રજિસ્ટરે લઈ આરોપી સામે નામદાર અદાલતમાં હાજર થવા પ્રોસેસ ઈસ્યુ કરી સમન્સ કરવાનો હુકમ કરેલો હતો, ત્યાર બાદ આરોપીએ એક ચેકની રકમ ભરી આપેલી અને ત્યાર બાદ બીજા ચાર કેસ ચાલવા ઉપર આવેલા હતા.
- Advertisement -
કેસમાં ફરિયાદી દ્વારા જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને સોગંદ ઉપર જુબાની પણ રજૂ કરેલી હતી. ત્યાર બાદ અદાલત દ્વારા સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ અને ફરિયાદ, સોગંદનામાની જુબાનીનું મૂલ્યાંકન કરવામાં આવેલું હતું, આ કામમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે આરોપી દ્વારા નોટીસનો કોઈ જવાબ આપવામાં આવેલો નથી, પોતાનો કોઈ યોગ્ય બચાવ કરવામાં આવેલ નથી અને નામદાર અદાલતનો કિંમતી સમય વ્યય કરેલો છે ત્યારે આવા આરોપીને સજા થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આરોપી વલ્લભભાઈ વેકરીયાને અનેક ચેક રિટર્નના કેસોમાં સજા થયેલી છે.આ કામમાં ફરિયાદી ઓસ્કાર ઓર્નામેન્ટના ભાવીન તુલસીભાઈ રામાણી વતી યુવા લો એસોસિએટના યુવા ધારાશાસ્ત્રી કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નિધિ રાયચુરા, શિતલ રાઠોડ, ડેનીશા રાઠોડ તથા લો આસિસ્ટન્ટ જીજ્ઞેશ ચૌહાણ સહિતની યુવા ટીમ રોકાયેલી હતી.