ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
અનેક લોકોના કરોડો રૂપિયા ડુબાડી તે સંબંધેના ઈસ્યુ કરી આપેલા ચેક રીટર્નના કામે થયેલા કેસો ચાલી જતાં થયેલ સજામાં જેલ ભોગવી ચુકેલા અને હજુ જેની સામે અનેક કેસો તથા અપીલો ચાલી રહેલી છે તે શિવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર મહેશ શીવાભાઈ ટીલારા વિરુદ્ધ ચાલી રહેલ ચેક રીટર્ન કેસની નીચેની અદાલતની સજા સામેની અપીલના કામે એડીશનલ એવીડન્સ રેકર્ડ પર લાવવા કરેલી માગણી રાજકોટના એડી. સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં લક્ષ્મીવાડીમાં આવેલા પુજા ટ્રેડીંગમાં બેસી ધંધો કરતા મયુર લાભશંકરભાઈ ધાંધીયા પાસેથી આરોપી મહેશ શીવા ટીલારાએ લીધેલી રકમ રૂા. 60,00,000 પરત કરવા ઈસ્યુ કરી આપેલા ચેક રીટર્ન થતાં તે કેસ ચાલી જતાં આરોપી મહેશ ટીલારાને નીચેની અદાલતે 2 વર્ષની સજા ઉપરાંત ચેકની રકમનો બે ગણો એટલે કે રૂા. 1,20,00,000નો દંડ અને દંડ ન ભર્યે વધુ ત્રણ માસની સજાનો ફરમાવેલ હુકમ સામે આરોપીએ સેશન્સ અદાલતમાં કરેલી અપીલ ચાલી રહેલી હતી દરમિયાન એવી અરજી આપેલી કે ચાલી રહેલી અપીલના મુળમાં જઈ સત્ય લાવવા માટે ફેર ટ્રાઈલ જરૂરી હોય પોલીસ મશીનરીના ઉપયોગથી ગેરકાયદેસર ચેક મેળવી તેમાં ફોર્જ લખાણ ઉભુ કરી સોર્સ ઓફ ઈન્કમ વગર મોટો આંકડો ભરી આઈ.ટી. રીટર્નમાં પણ બતાવેલ ન હોય તેથી ચેક હસ્તાક્ષર નિષ્ણાંત પાસે મોકલી અભિપ્રાય મેળવવા તથા ઈન્કમટેક્ષવાળા અને પોલીસ વિભાગ પાસેથી જરૂરી દસ્તાવેજો મગાવવા અને તે સંબંધો પુરાવો લેવા દેવા માગણી કરવામાં આવી હતી.
- Advertisement -
આરોપીની ઉપરોક્ત અરજી સામે મૂળ ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ મારફત વાંધાઓ રજૂ કરી રજૂઆત કરવામાં આવી કે હાલની અરજી છ વર્ષ બાદ અપીલનું કામ ડીલે કરવાના બદહેતુથી આપવામાં આવેલી હોય, અરજી મેરીટસ વગરની હોય, એડીશનલ એવીડન્સ સંબંધેનું નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ રજૂ કરવામાં આવેલી તે હકીકતો મુજબ વધારાના પુરાવા રેકર્ડ કરવાની સત્તાનો ઉપયોગ ત્યારે જ થવો જોઈએ જ્યારે આવો પુરાવો રજૂ કરવાથી અટકાવવામાં આવેલ હોય તેમજ અપીલ દાખલ થયા બાદ આવા પુરાવાનો જન્મ થયેલો હોય જ્યારે હાલના કિસ્સામાં આરોપીને નીચેની અદાલતમાં સંપૂર્ણ તક મળી હોય ઉપરાંત અપીલ દાખલ કરતી વખતે પણ આવી કોઈ તકરાર ઉઠાવેલી નથી અને લાંબા સમય બાદ કામ ડીલે કરવાના બદઆશયથી આવી અરજી આપવામાં આવેલી હોવાથી ખર્ચ સાથે નામંજૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી.બંને પક્ષોની રજુઆતો રેકર્ડ પરની હકીકતો રજૂ થયેલ ચુકાદાઓની હકીકતો વંચાણે લેવામાં આવે તેમાં અરજદાર આરોપી અપીલકર્તા મૌખીક અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તૈયાર છે જે ટ્રાયલ દરમિયાન રજુ કરવા જોઈએ તેવું અદાલતમાં વિચારણાભર્યો અભિપ્રાય થતો હોય ઉપરાંત અપીલકર્તા હસ્તાક્ષર નિષ્ણાતોનો અભિપ્રાય મેળવવા ઈચ્છુક હોય પરંતુ તેણે શું કર્યુ નથી ઉપરાંત પોલીસ વિભાગમાંથી જરૂરી દસ્તાવેજો રજૂ કરાવવા માગતા હોય તે ક્યા દસ્તાવેજો તેવો કોઈ ઉલ્લેખ નથી જે હકીકતો જોતાં અરજીમાં યોગ્યતાનો અભાવ હોય તેમ માની આરોપી મહેશ ટીલારાની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં મૂળ ફરિયાદી મયુરભાઈ ધાંધીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલા હતા.