ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જી. એમ. હડીયાને ચોક્કસ બાતમી મળેલી કે હનુમાનમઢી ચોક પાસે દિનેશ બોળીયા (ભરવાડ) નામનો ઈસમ ગેરકાયદે હથિયાર લઈ ઉભો છે જેથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળતાં ચોક્કસ જગ્યાએ જઈ ખાત્રી કરતા ઈસમ હનુમાનમઢી ચોક પાસે મળી આવેલો હતો અને પંચો રૂબરૂ ઈસમની ઝડતી કરતાં દેશી બનાવટની મેંગેઝીનવાળી પિસ્ટલ જીવતા કાર્ટીસ સાથે મળી આવેલા હતા જેથી પોલીસ દ્વારા પંચનામુ કરી મુદ્દામાલ પિસ્ટલ કબ્જે કરેલી અને આરોપી દિનેશ ખેંગારભાઈ ઉર્ફે બાબુભાઈ બોળીયા વિરુદ્ધ ગત તા. 27-2-2014ના રોજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એકટની કલમ 25(1-બી) મુજબની ફરિયાદ નોંધાયેલી હતી. જે અન્વયે આ કામમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરતાં કેસ રાજકોટના જ્યુ. મેજિ. ફ.ક.ની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને ધી આર્મ્સ એક્ટની કલમ 25(1-બી) મુજબ તકસીરવાન ઠરાવી આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા. 10,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફરમાવવામાં આવેલી હતી. હુકમથી નારાજ થઈ આરોપીએ સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરેલી હતી.
- Advertisement -
જે અપીલ ચાલી જતાં નીચેની કોર્ટ દ્વારા કરવામાં આવેલા સજાનો હુકમ રદ કરી પંચ અને એફએસએલ અધિકારીને કોર્ટ સમક્ષ તપાસવા માટે રિમાન્ડ કરેલો જેના અનુસંધાને નીચેની કોર્ટ દ્વારા કેસની કાર્યવાહી ફરીથી શરૂ કરી આ બંને સાહેદોને સમન્સ કરવામાં આવેલા જેના અનુસંધાને પંચ અને એફએસએલ અધિકારીની કોર્ટ સમક્ષ જુબાની નોંધાઈ જતાં કોર્ટ દ્વારા આરોપીનો એફએસએલ લઈ ફરીથી અગાઉ થયેલી સજાનો હુકમ કાયમ રાખેલો હતો જેથી આરોપીએ બીજી વખત સેશન્સ કોર્ટમાં નીચેની કોર્ટના ચુકાદાને પડકારવામાં આવેલો હતો જેમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટે નામ. સેશન્સ કોર્ટમાં કરેલી દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખી અને રજૂ રાખેલા નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલા સિદ્ધાંતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલા ચૂકાદાઓ ધ્યાનમાં રાખી સેશન્સ જજ વી. એ. રાણાએ ઉપરોક્ત આરોપીને આ ગુન્હાના કામ સબબ સજાનો તથા દંડનો હુકમ રદ કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયેલા હતા.