બાન લેબ્સના માલિક, સફળ બિઝનેસમેન, સૌરાષ્ટ્રના ભામાશા એવાં મૌલેશભાઇ ઉકાણીનો આજે જન્મદિવસ
સદ્દગુણો બહુ મોંઘી લકઝરી છે, મોંઘા મહેમાન છે. એ જેવું તેવું ધર પસંદ નથી કરતાં. અમીરી નહિ પણ અમીરાતને જોઈને એ યોગ્ય પાત્રની પસંદગી કરે છે. અને, આપણા મૌલેશભાઈ ઉકાણીના વ્યક્તિત્વને જોઈને જાણે કે હાશકારો પામ્યા હોય એમ, સેવા, સમર્પણ, સાદગી, સરળતા, સાહસિકતા, સૌજન્ય, સંસ્કાર સહાનુભૂતિ, સૌહાર્દ.. બધાં સદ્ગુણોએ આ વ્યકિતમાં પોતાનું ઘર બનાવ્યું છે.
હા, એ જંગી ઉદ્યોગગૃહ બાન લેબ્સના માલિક છે. બાન લેબ્સની વાત કરીએ તો આ કંપની આપણાં પ્રાચીન અણીશુદ્ધે વિજ્ઞાન આયુર્વેદ દ્વારા જીવનશૈલી સુધારવા માટે સમર્પિત છે. મેડિસિન, હેર કેર અને કોસ્મેટિકસ, આ સફળ પ્રોડક્ટ્સની અધધધ રેન્જ ધરાવે છે. 1966માં માત્ર સોળ હજાર રૂપિયાના રોકાણ પિતા ડો.ડી.કે.પટેલે શરૂ કરેલી આ કંપનીને મૌલેશ ભાઇએ આજ સફળતાનાં એ ઉત્તુંગ શિખર પર બેસાડી છે કે જેની શાખાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 45 દેશોમાં ફેલાઈ છે. બાન લેબ્સ સામાન્ય માણસને પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવામાં માને છે. અપાર લોકપ્રિયતા અને પ્રશંસા સાથે, તેને સાત સાત શ્રેષ્ઠતા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ઝી બિઝનેસ ચેનલે તેને સૌથી વિશ્વસનીય કંપનીઓમાંની એક તરીકે જાહેર કરી છે. 21મી સદીની શરૂઆતથી, આ સંસ્થાએ તેના ઉત્સાહી અને મહેનતુ ખઉ મૌલેશભાઈ ઉકાણીના સક્ષમ નિર્દેશનમાં જે સફળતા હાંસલ કરી છે એ મેનેજમેન્ટના વિધાર્થીઓ માટે કેસ સ્ટડીનો વિષય છે. સતત નવું, આયુર્વેદ જેવા ટ્રેડિશનલ વિષયમાં પણ, તેમના માર્ગદર્શનમાં સંશોધિત થયેલી, બાન લેબ્સની અનેક પ્રોડકટ એ વાતનો પુરાવો છે કે તેઓ ઇનોવેશનનાં માણસ છે! તેનું હેર ઓઇલ સેશાએ રેકોર્ડબ્રેક માર્કેટ મેળવ્યું છે. કફ શરદી માટેની પ્રોડકટ ક્રકસ ખૂબ જ સારા પરિણામ આપે છે. પેનથી લઈને ડીઓ સુધીની રેન્જ છે. એનું આયુકલશ સીરપ હાર્ટ માટે અદભુત છે. બાન લેબ્સની જ્વલંત સફળતા એ છે કે વિશ્વસ્તરે સેસા અને તેવી અનેક પ્રિમિયમ બ્રાન્ડ પ્રત્યે લોકોનું આકર્ષણ અને લોકચાહના પામી છે.
- Advertisement -
અલબત્ત, આ તો થઈ બિઝનેસની વાત પરંતુ આવડા બીઝનેસ હાઉસને સફળતાપૂર્વક ચલાવનારા સાહસિકતા-આત્મવિશ્વાસથી ભરપૂર મૌલેશ ભાઈ, સફળ ઉદ્યોગપતિમાં હોય એ ક્વોલિટી ઉપરાંત બીજી અનેક ક્વોલિટીઝ ધરાવે છે જે તેમને ઉમદા અને ઉત્તમ માનવી બનાવે છે.
તેઓ દ્વારકાધીશના પરમ ભક્ત છે અને તેમની આ ભક્તિ પરમાર્થ સાથે જોડાયેલી છે. દેવભૂમિ દ્વારકામાં દર્શનાર્થે આવતાં યાત્રાળુઓને પર્યાપ્ત સુવિધાઓ મળી રહે અને યાત્રા સુગમ બને એ માટે તેઓ લોકસેવાના કામ સાથે સતત કાર્યશીલ રહે છે. બીજું, તેમની વ્યવસાયિક સફળતા અને સમૃદ્ધિના ફળ તેમણે એકલાએ જ નથી ભોગવ્યા. પોતાનો ખજાનો હમેશા જરૂરીયાત વાળા માટે ખુલ્લો રાખ્યો છે. તેમણે સમાજસેવા અને જનકલ્યાણના એવા ભગીરથ કાર્યો કર્યા છે અને કરતાં રહે છે કે આપણે સૌરાષ્ટ્ર વાસીઓ ગૌરવ એમ કહી શકીએ કે આપણી પાસે પણ એક ભામાશા છે!
સામાન્ય રીતે આપણને એવું લાગે કે બાન લેબ્સ જેવી કંપનીના સફળ અને સ્ફૂર્તિલા બીઝનેસ મેનના મોઢે વ્યવસાય સિવાય કોઈ વાત માટ સમય કે રસ જ નહીં હોય પણ તેમને મળતા જ એ જૂની માન્યતા બદલાઈ જાય છે. તદ્દન સરળ અને નિરાભિમાની, ડાઉન ટુ અર્થ પર્સનાલીટી, તેમને મળીને આપણને ’નાના’ હોવાનો નહિ પણ ’કામના’ હોવાનો અનુભવ કર્તાવે તેવા ’મોટા’ માણસ છે! તેમને મળવાથી એક ઉર્જાનો અનુભવ થાય એવા સકારાત્મક વ્યક્તિત્વના સ્વામી ધરતીપુત્ર મૌલેશભાઈ રાજકોટ-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. તેઓ સૌના પ્રિય છે અને નવાઈની વાત એ છે કે સ્પર્ધાત્મક વ્યવસાય સાથે જોડાયેલ હોવા ઉપરાંત કોઈને પણ ઈર્ષ્યા આવે એવું તેમનું વ્યક્તિત્વ, અપાર લોકચાહના અને નામના ધરાવતાં હોવા છતાં, એમને જાણે દ્વારિકધીશના સાક્ષાત રખોપા હોય તેમ, તેમના માટે કોઈના મનમાં માટે શત્રુભાવ નથી, તેઓ અજાતશત્રુ છે!
સેવાના કોઈ પણ કાર્ય માટે તેમના મોઢે ક્યારેય ના સાંભળવા ન મળે. વ્યવસાય ક્ષેત્રે મોટા મોટા રિસ્ક ઉઠાવનાર સાહસિક મૌલેશ ભાઈ સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ છે. લોકોના દુ:ખ જોઈને તરત દ્રવી ઉઠે અને તેમના કંઈપણ કરી છૂટવા તૈયાર! મૌલેશ ભાઈને સેવાના પર્યાય તરીકે એ હદે લોકોના માનસમાં અંકિત થઈ ગયા છે કે કોઈ જ્યારે કોઈ સદકાર્યનો વિચાર કરે ત્યારે સૌ પ્રથમ તેમને જ યાદ કરે. સૌરાષ્ટ્ર-રાજકોટના જાહેર જીવનના કોહિનૂર છે. વધુમાં કહું તો, સકારાત્મક અભિગમ, સાલસ વર્તન સંયમિત વાણી, કર્મનિષ્ઠા, પ્રભુશ્રદ્ધાનો સંગમ એટલે રાજકોટનાં જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મૌલેશભાઈ એક, બે કે ત્રણ નહીં પરંતુ સેંકડો સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ જગત મંદિર દ્વારકાનાં ટ્રસ્ટી, ઉમિયાધામ ટ્રસ્ટ સિદસરનાં ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. કડવા પાટીદાર અગ્રણી મૌલેશભાઈ ધણા વર્ષોથી ક્લબ યુવી રાસોત્સવનું પણ આયોજન કરી રહ્યા છે. આ સંસ્થાઓમાં સામાજિક, ધાર્મિક, સેવાભાવી અને બીજી અનેક પ્રકારની સંસ્થા છે. અતિવ્યસ્ત શેડયુલ હોવા છતાં આ સંસ્થાઓમાં કોઈને કોઈ હોદ્દા પર ફરજ બજાવવી અને તે પણ પુરી સક્રિયતાથી, એ બહુપરિમાણીય વ્યકિતત્વની સાથે સેવાભિમુખ પ્રકૃતિ જ કહી શકાય.
જેમના જીવનનો આદર્શ પ્રમાણિકતા, નિષ્ઠા, ઉદારતા સંવેદનશીતા, સહાનુભૂતિ અને સેવા છે એવા મૌલેશભાઈએ સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરીને સરકાર પ્રત્યેની ફરજ બજાવીને પ્રમાણિકતાનું એક ઉદાહરણ આપ્યું છે. તેમના આ પગલાં બદલ ભારત સરકાર દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે.
- Advertisement -
મૌલેશભાઈ કહે છે: જીવનમાં કંઈ પણ અકસ્માતે થતું નથી. બધો જ દોરી સંચાર ઉપરવાળાના હાથમાં છે. આ શ્રદ્ધા તેમનું જીવનબળ છે. તેઓ કહે છે કે ભગવાન શ્રી દ્વારકાધીશની મરજી વગર કંઈ થતું નથી. મારી કંપનીના માલિક પણ ભગવાન શ્રી દ્વારકાધીશ જ છે. અમે તો એમના વતી સંચાલન કરીએ છીએ. બાન લેબ્સની કોર્પોરેટ ઓફિસમાં કે રાજકોટના કોઈ કાર્યક્રમમાં જોવા મળતા મૌલેશભાઈ અને દ્વારકામાં જોવા મળતા મૌલેશ ભાઈ અલગ જ વ્યક્તિ છે. માથા પર ધજાજી વૈષ્ણવજન જેવો પોશાક મુખમાં દ્વારકાધીશનું નામ અને ચહેરા પર દ્વારિકધીશના દર્શનનો-સાંનિધ્યનો સંતોષ! મૌલેશભાઇનું એક પુસ્તક પણ છે: અણમોલ જિદગી: તે વાંચીને મૌલેશભાઇના જીવન પ્રત્યેના શુદ્ધ નિર્મળ અભિગમને સમજી શકાય છે.
તેઓ આ કહે છે અને તેને જીવી પણ જાણે છે કે સાદગી એટલે શિતળતા…આપણા સમીપ કોઇને આવવાનું મન થાય. આપણી વાણી, વ્યવહાર અને વર્તનથી વારંવાર આવતા રહે તે સાચી સાદગી. એ જ રીતે આપણે જેને માનતા હોય તે સર્વોપરી શકિતને યાદ રાખીને કોઈ પણ કામ કરીએ તો એ બંદગી જ છે. આવી સાદગી અને બંદગીથી જીવી જાણીએ તો સરવાળારૂપે મળે છે’
સરળ, નિર્મળ વ્યક્તિત્વ, ચહેરા પર સદાય સ્મિત, ધંધાનું ટેંશન ક્યારેય ન વર્તાય એવી સ્ફૂર્તિ એ એમની વિશેષતા છે. કહેવાય છે કે સફળતાથી ઉંચે જતા જો ધરતીથી જોડાણ તુટતું જાય તો તેમાં સફળતાનું કદ નથી વધતું. પણ મૌલેશભાઈ આમાંથી બાકાત છે, તેમણે સફળતાને સાર્થક કરી છે. સફળતા, સિદ્ધિ અને સમૃદ્ધિ એમના માથા પર અહંકાર થઈને નથી ચડી, પણ સહાનુભૂતિ અને કરુણા રુપે હૃદયમાં જઇ વસી છે અને તેથી જ આપણે તેમને સફળ બીઝનેસ મેન તરીકે જ નહીં પણ સેવાના ભેખધારી ઓલિયા તરીકે ઓળખીએ છીએ.
જિંદગીમાં વર્ષો ઉમેરાતા જાય તે સાહજિક પ્રક્રિયા છે પરંતુ એ એક એવી વ્યકિત છે જેમણે વર્ષોમાં જિદગી ઉમેરી છે. મૌલેશભાઈની જીંદગી જેટલી લાંબી છે એના કરતા ઘણી મોટી છે. અને આજે એમના જન્મદિવસે આપણાં સૌ વતી પ્રભુને એ જ પ્રાર્થના કે ધણું જીવો..ઘણું જીવો… આપના જીવનનો આગળનો માર્ગ પણ સમૃદ્ધ, સ્વસ્થ, સુરક્ષિત અને સેવાયુક્ત કાર્યથી સભર બની રહે!