છેલ્લાં ઘણાં સમયથી સર્વરની સમસ્યા : સિવિક સેન્ટરની જાળી બંધ કરી લોકોનો પ્રવેશ અટવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપા કચેરીએ આધારકાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થયા બાદ હવે જન્મ-મરણનાં દાખલાની કામગીરી ઠપ્પ થઈ છે. રાજકોટ કોર્પોરેશન કચેરીએ ઇ-ઓળખ પોર્ટલના કારણે કામ બંધ હોવાના બોર્ડ મૂકવા પડયા છે, જેને લઈને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બાળકોનાં આધારકાર્ડ માટે પણ જન્મ-મરણનાં દાખલામાં સુધારો કરવો ફરજિયાત હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, વિભાગની કામગીરી સંભાળતાં અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સર્વરનાં પ્રોબ્લેમ આવી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકારમાંથી કોઈ ચોક્કસ જવાબ મળતો નથી!
રાજકોટ મનપામાં છેલ્લા થોડા દિવસોથી જન્મ-મરણના દાખલા કાઢવા અને નવી નોંધણી સહિત કામગીરી ધીમી પડી ગયા બાદ સદંતર બંધ થતા નાગરિકોમાં કકળાટ ફેલાઇ ગયો છે. આજે સવારથી ઇ-ઓળખ પોર્ટલ બંધ હોવાથી સિવિક સેન્ટર બહાર કામગીરી જ બંધ હોવાના બોર્ડ મારવા પડયા હતા. આધારકાર્ડ, જન્મ-મરણની તમામ કામગીરી હવે કેન્દ્ર અને રાજય સરકારના પોર્ટલ તથા વેબસાઇટ પર થાય છે. આ કારણે મનપાની સિસ્ટમ લાચાર બની જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે કચેરી બહાર કામગીરી બંધ હોવાનું બોર્ડ લગાવવા છતાં લોકો સર્વર શરૂ થવાની રાહમાં લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. જોકે, નોંધણી નહીં થવાથી સિવિક સેન્ટરની જાળી બંધ કરીને લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણના દાખલાની તમામ પ્રકારની કામગીરી હવે રાજ્ય સરકારના ઇ-પોર્ટલ પર કરવામાં આવે છે. હવે મહાપાલિકાના નહીં પરંતુ રાજ્ય સરકારના જન્મ-મરણના દાખલા નીકળે છે.
રાજ્યમાં આ માટે ઇ-પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસોથી સિસ્ટમ ઘણી ધીમી પડી ગઇ છે. તો આજે સર્વર સંપૂર્ણ ડાઉન હોવાથી દાખલા નીકળી શકયા ન હતા. રાજ્ય સરકારમાંથી કોઈ જવાબ તેમજ કોઇ ખાતરી ન મળતા અંતે અધિકારીઓની સૂચનાથી કેન્દ્ર બહાર બોર્ડ મૂકાયું હતું.
- Advertisement -
સરકાર દ્વારા જવાબ મળતો નથી: અધિકારી
મનપાનાં જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કામ ધીમું થતું હતું, જેને લઈને રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી છે. હાલમાં ઇ-ઓળખ પોર્ટલનું સર્વર સંપૂર્ણપણે બંધ થતાં અમારે ફરજિયાત કામગીરી બંધ રાખવાની ફરજ પડી છે. સર્વર ક્યારે શરૂ થશે તેનો પણ કોઈ યોગ્ય જવાબ રાજ્ય સરકારમાંથી આપવામાં આવતો નથી. લોકોને વારંવાર હાલાકી પડી રહી છે. પરંતુ આ મામલે અમારી રજૂઆતોનો પણ જવાબ મળતો નથી. ત્યારે સર્વર ક્યારે શરૂ થશે તે કહેવું પણ હાલ શક્ય નથી. આ છતાં સર્વર શરૂ થતાની સાથે જ કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.