ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે. ગોવિંદ પટેલે પત્રમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર સીધો આક્ષેપ કર્યો છે. ગોવિંદ પટેલના આ પત્રથી પોલીસ કમિશનર હાલ ક્યાં છે એ કોઈને ખબર નથી. જેસીપી ખુરશીદ અહેમદે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, CP ક્યાં છે એ મને પણ ખબર નથી. શું ગણતરીનાં દિવસોમાં મનોજ અગ્રવાલની બદલી નિશ્ચિત તેવી પણ વાતો વહેતી થઈ છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ કમિશનર ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.
- Advertisement -
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે.
જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો.