થોડા દિવસ પહેલાં એક વ્યક્તિ ટોઇલેટમાંથી સુનાવણીમાં જોડાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક સિનિયર વકીલ બિયર પીતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલાની નોંધ લેતાં હાઈકોર્ટે સોમવારે વકીલ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી છે.
- Advertisement -
આ વીડિયો 26 જૂનનો છે. એમાં સિનિયર વકીલ ભાસ્કર તન્ના જસ્ટિસ સંદીપ ભટ્ટની સામે બિયર પીતાં દેખાય છે. અવમાનનાની કાર્યવાહી ચલાવતાં જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ આરટી વાછાણીની બેન્ચે તન્નાના વર્તનને અપમાનજનક ગણાવ્યું છે.
અવમાનનાની કાર્યવાહી દરમિયાન કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે તન્નાએ વર્ચ્યુઅલી બેન્ચ સમક્ષ હાજર ન થાય. કોર્ટે કહ્યું કે આ આદેશ હાઇકોર્ટના મુખ્ય જસ્ટિસ સમક્ષ રજૂ કરવો જોઈએ. જો તેઓ મંજૂરી આપે છે, તો તેને અન્ય બેન્ચોને પણ મોકલવામાં આવશે. બેન્ચે તન્નાને નોટિસ જારી કરવાના નિર્દેશ આપ્યા છે.કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આવી કાર્યવાહી નવા વકીલોને અસર કરે છે કારણ કે તેઓ સિનિયર વકીલોને રોલમોડલ અને માર્ગદર્શક તરીકે જુએ છે.તન્નાના આચરણથી તેમને સિનિયર વકીલ તરીકે મળેલા વિશેષાધિકારોનું અપમાન થાય છે. તેમને આપવામાં આવેલા સિનિયર વકીલના હોદ્દા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. કોર્ટે રજિસ્ટ્રીને આગામી સુનાવણીમાં રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવાનો અને વીડિયો સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની સુનાવણી બે અઠવાડિયા પછી થશે.