જૂનાગઢમાં સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગ, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુરુકુળ જ્ઞાનબાગના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી સંદર્ભે એક દિવસીય રાજયકક્ષાનો પરિસંવાદ યોજાયો હતો. જૂનાગઢ મ્યુનિ. કમિશ્ર્નર ઓમ પ્રકાશ તેમજ સંતોની ઉપસ્થિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્યથી પરિસંવાદનો શુભારંભ કરાવ્યો હતો.
- Advertisement -
કાર્યક્રમનાં પ્રારંભે આમંત્રીત અતિથીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં યુનિ.નાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને સરદાર પટેલ, જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંતોનું પ્રદાન,સાહિત્યમાં જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ-આરઝી હકૂમત, આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય સેનાની, જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનું યોગદાન, જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્રના રાજવીઓનું યોગદાન, સાહિત્યમા આરઝી હકૂમત વિષયે વિષયે પોતાના શોધપત્ર રજૂ કર્યા હતા, જેમને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમનાં અધ્યક્ષ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના મહાસચિવ હેમંગધિંગ મજમુદારે સાહિત્ય અને ઈતિહાસમાં જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ વિષય પર વાત કરતા જણાવ્યુ હતુ કે ભારતનો અતીત, વર્તમાન અને ભવિષ્ય એ ભારતના સ્વતંત્રતા આંદોલનો સાથે સંકળાયેલાં છે. એ અર્થમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામોનો ઇતિહાસ ઘણો ઉપયોગી છે. દેશના દરેક રાજ્યમાં અને દરેક ભાષામાં સ્વતંત્રતા આંદોલનો વિશેનું સંશોધન અને લેખન થયું છે. ગુજરાતમાં પણ સ્વતંત્રતા સંગ્રામો વિશેનું સંશોધન અને ઇતિહાસલેખન થયું છે. 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે સમગ્ર દેશ ગુલામીની જંજીરો કાયમી ધોરણે તોડીને આઝાદ થયો હતો. પરંતુ ભારતની આઝાદીની ખુશીની આ ઘડીમાં જૂનાગઢના નવાબે જૂનાગઢ સાથે માણાવદર, માંગરોળ, અને અન્ય પ્રાંતોનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યાની વાતથી જૂનાગઢ પંથકમાં શોક છવાયો હતો. જૂનાગઢને ફરી ભારત સાથે જોડવા શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીની આગેવાનીમાં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ અને સંતગણનાં સહયોગથી જૂનાગઢ મુક્તિ આંદોલનની શરૂૂઆત થઈ જેના પરિપાક રૂૂપે 9 મી નવેમ્બર જૂનાગઢનો મુક્તિ દિવસ ઉજવાય છે.



