આર્જેન્ટિનાની ટીમ 36 વર્ષથી કોઇ વિશ્ર્વ કપ ખિતાબ જીતી શકી નથી
મેસ્સીની આર્જેન્ટીના અને મોદરિચની ક્રોએશિયા વચ્ચે રાત્રે 12:30 વાગ્યાથી કતારના સૌથી મોટા લુસૈલ સ્ટેડિયમ પર મુકાબલો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીના અને ગત વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયા વચ્ચે આજે રાત્રે 12:30 વાગ્યાથી કતારના સૌથી મોટા લુસૈલ સ્ટેડિયમમાં વર્લ્ડકપના પ્રથમ સેમિફાઈનલમાં કાંટે કી ટક્કર થશે. આ મુકાબલામાં સૌની નજર બે દિગ્ગજ ખેલાડીઓ લિયોનલ મેસ્સી અને લુકા મોદરિચ ઉપર ટકેલી રહેશે. મેસ્સી આર્જેન્ટીનાની કમાન સંભાળી રહ્યો છે તો લુકા ક્રોએશિયાનો કેપ્ટન છે. બન્નેનો આ અંતિમ વર્લ્ડકપ છે. આવામાં કોઈ એકનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન હંમેશ માટે તૂટી જશે. ફૂટબોલના સૌથી મોટા સુપરસ્ટાર પૈકીના એવા બ્રાઝીલના નેમાર અને પોર્ટુગલના 37 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કતારમાં ચાલી રહેલા વર્લ્ડકપમાં આંસુઓ સાથે વિદાય લઈ ચૂક્યા છે. હવે મેસ્સી અથવા મોદરિચમાંથી કોઈ એકનું સ્વપ્ન આજના મુકાબલા બાદ તૂટવાનું છે. આર્જેન્ટીના અને ક્રોએશિયા બન્ને ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટ થકી જીત મેળવીને સેમિફાઈનલમાં આવી છે. આર્જેન્ટીનાએ નેધરલેન્ડસને 4-3થી તો ક્રોએશિયાએ બ્રાઝીલને 4-2થી પરાજય આપ્યો હતો. આર્જેન્ટીનાની નજર છઠ્ઠીવાર તો ક્રોએશિયાની નજર સળંગ બીજીવાર ફાઈનલમાં જગ્યા બનાવવા પર રહેશે. વર્લ્ડકપમાં બન્નેનો આ ત્રીજો મુકાબલો છે. આ પહેલાં રમાયેલી બે મેચમાંથી બન્નેએ એક-એક મુકાબલો જીત્યો છે.
FIFA વર્લ્ડકપ સેમિફાઇનલ પહેલા હંગામો, રેફરી માટુ લાહોઝ ટૂર્નામેન્ટમાંથી થયા બહાર
ફિફા વર્લ્ડકપ 2022માં પ્રથમ સેમિફાઇનલ પહેલા જ વિવાદ થયો છે. આજે મોડી રાત્રે આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે મેચ છે. ઋઈંઋઅએ આ મેચ માટે એક મોટો નિર્ણય લીધો છે. વિવાદાસ્પદ રેફરી માટુ લાહોઝને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધા છે. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ માટુ લાહોઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં માટુ લાહોઝ રેફરી હતા અને તેમના ઘણા નિર્ણયો વિવાદનું કારણ બન્યા હતા. આ ઉપરાંત લિયોનેલ મેસ્સી સહિત અન્ય આર્જેન્ટિનાના ખેલાડીઓ સાથે પણ તેનો ઝઘડો થયો હતો.