ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા અંજલિબેન રૂપાણીનો શહેરના પ્રજાજનોને અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની જાણીતી શિક્ષણ, આરોગ્ય અને રોજગારલક્ષી વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે સમાજના છેવાડાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા બાળકોના હસ્તે તૈયાર કરેલ વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટના કચરો વીણતા અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા બાળકો દ્વારા બનાવેલ દીવડાઓ, તોરણ, હસ્તકલા, સુશોભન જેવી ચીજોનું પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ સંસ્થા છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. સંસ્થા દ્વારા બાળકોના ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત સંસ્થા સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ દ્વારા અંદાજે 300 જેટલા બાળકોને વોકેશનલ ટ્રેનિંગ આપીને તેમના જીવનમાં ઉજાસ લાવવા નિમિત્ત બને છે. આ કાર્યક્રમનું મંગલદીપ પ્રાગટ્ય પ્રિયાબેન અઢિયા (નાથ સ્ટોલ), મોહિનીકુંવરબા જાડેજા, નિશાબેન જોબનપુત્રા, કર્મચારી બહેનોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન કમ વેચાણમાં અનેક આઈટમો મૂકવામાં આવેલ છે. જેમાં સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટના બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીપાવલિ માટે અવનવા દિવડાઓ, ભરત ગુંથણની આઈટમ, તોરણ, ફોટોફ્રેમ, ગિફ્ટ આર્ટિકલ તેમજ અનેક સુશોભનની ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે. આ પ્રદર્શન દ્વારા વેચાણ તા. 14, 15, 16 (મંગળ, બુધ, ગુરુ) સવારે 10થી રાત્રે 8 સુધી નાથ સ્ટોલ, બ્લિંગ ગેલેરી, જિલ્લા પંચાયત ચોક, ડો. યાજ્ઞિક રોડ કોર્નર ખાતે શરૂ રહેશે.
આ પ્રદર્શન કમ વેચાણ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા નીતિનભાઈ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, ધનસુખભાઈ ભંડેરી, વંદનાબેન ભારદ્વાજ, મોહિનીકુંવરબા જાડેજા, નરેન્દ્રસિંહ ઠાકુર, પરેશભાઈ હુંબલ, કાશ્મીરાબેન નથવાણી, રસીલાબેન સાકરીયા, મનુબેન રાઠોડ, કલ્પનાબેન કિયાડા, કંચનબેન સીદ્ધપુરા, જસુમતીબેન વસાણી, મહેશભાઈ પરમાર, હરીશભાઈ શાહ, મીત્સુબેન વ્યાસ, એન. જી. પરમાર, વિનુભાઈ વ્યાસ, જીજ્ઞેશભાઈ રત્નોતર, ડી. બી. ખીમસુરિયા વગેરેની વિશેષ ઉપસ્થિતિ હતી.
આયોજકો દ્વારા રાજકોટવાસીઓને જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભાગ લઈ બાળકોના ઉત્સાહમાં વધારો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બાળકો દ્વારા બનાવાયેલ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણના આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ અંજલિબેન રૂપાણી, ડો. મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડિનેટર સાગરભાઈ પાટીલ, કાર્યકર્તાઓ તથા કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ છે. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલય ‘કિલ્લોલ’, 1-મયુરનગર, મહાપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ અથવા કો-ઓર્ડિનેટર સાગરભાઈ પાટીલનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.