જમજીર ધોધ બાજુમાં જન્મદિવસની ઉજવણી કરનાર રાજકોટના સહેલાણી સહિત હોમસ્ટે માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ગીર સોમનાથ ના ઘાટવડ ગામ ખાતે જમજીર ધોધની બાજુમાં કુવાડવા રાજકોટના રહેવાસી પીપડીયા સરોજબેન સંજયભાઈ અને પીપળીયા સંજયભાઈ પોલાભાઈ દ્વારા જમજીર ખાતે ધોધની આશરે 10 થી 20 મીટર દૂર પોતાના જન્મદિવસની ઉજવણી કરેલ હતી.
- Advertisement -
ત્યારબાદ જમજીર ધોધના પાછળના ભાગમાં ફાલ્ગુનસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાના નામે આવેલ જમજીર રીટ્રીટ નામના હોમ સ્ટે દ્વારા તા.16/09/2024ના રોજ આ જન્મદિવસની ઉજવણી અંગેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરવામાં આવેલ.જેમાં જંજીર ધોધની કોતરો પર કેક અને ટેબલ રાખીને ઉજવણી કરતા હોવાનું માલુમ પડે છે અને આ વ્યવસ્થા જંજીર રીટ્રીટ હોમ સ્ટે દ્વારા કરવામાં આવેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન બહાર આવેલ. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં નાહવા માટે કે ધોધના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે ધોધની કોતરો ઉપર જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા કોડિનાર પોલીસ સ્ટેશનમાં બંને સહેલાણી અને હોમ સ્ટે માલિક એમ ત્રણેય વ્યક્તિઓ વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધવામાં આવેલ છે.
વધુમાં, જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા જણાવેલ કે, અગાઉ ભૂતકાળમાં નાહવા તથા સેલ્ફી લેવા જતા લોકો મૃત્યુનો ભોગ બનેલ છે.આવી દુર્ઘટના અટકાવી શકાય તે સારું આ ત્રણ વ્યકિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.ઉપરાંત લોકોને જમજીર ધોધમાં નાહવા, ઊંડા પાણીમાં પ્રવેશ ન કરવા તેમજ કોતરો પર સેલ્ફી લેવા ન જવા અપીલ કરવામાં આવેલ અને આ જાહેરનામાંનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.