બુધવારથી વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહોત્સવનો પ્રારંભ\
બજારમાં આ વર્ષે રૂ.1500થી લઇ 30,000ની મૂર્તિ છે ઉપલબ્ધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગણેશ ચતુર્થીનો પર્વ દર વર્ષે ભાદરવા માસની શુક્લ ચતુર્થીએ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં ગણેશજી દસ દિવસ ભક્તોની સાથે રહી તેમના દુ:ખ દૂર કરી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. બુધવારથી વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને બજારોમાં ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ થઈ રહ્યું છે. કોલકાતાના એક મૂર્તિકાર 30 વર્ષથી રાજકોટમાં 5-6 મહિના રોકાઈને સફેદ માટીની મૂર્તિઓ બનાવે છે. તેમની મૂર્તિઓ 9 ઈંચથી 8 ફૂટ સુધીની હોય છે અને ભક્તોમાં ખૂબ લોકપ્રિય છે. ત્યારે કારીગરો ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે. જૂન મહિનાથી તેઓ ઓર્ડર મુજબ દુંદાળા દેવની મૂર્તિ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. આ વર્ષે બજારમાં અનેક અલગ-અલગ સ્વરૂપમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઉપલબ્ધ છે, તેમાં પણ શિવજીના સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ આકર્ષણ જમાવ્યું છે.
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને 30 વર્ષથી ગણેશ મહોત્સવ પૂર્વે રાજકોટમાં આવી રેસકોર્સ બાલભવન ખાતે અલગ-અલગ મૂર્તિ તૈયાર કરતા દીપકભાઈએ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવની તૈયારીઓ અમે જૂન મહિનાથી શરૂ કરી દેતા હોઈએ છીએ. કુલ 15થી 20 લોકો બંગાળથી આવી અહીંયા રાજકોટમાં મૂર્તિ બનાવીએ છીએ. સરકારના નિયમોનું પાલન કરી મૂર્તિ બનાવી રહ્યા છીએ. આ વખતે કાચા માલમાં મોંઘવારી આવી જેના કારણે મૂર્તિના ભાવમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં 1500 રૂપિયાથી શરૂ કરી 30,000 રૂપિયા સુધીની મૂર્તિ બજારમાં ઉપલબ્ધ છે.
- Advertisement -
ગણેશજીની મૂર્તિ આ સ્વરૂપમાં છે ઉપલબ્ધ
શિવજીના સ્વરૂપમાં ગણપતિ
સિંહાસન પર ગણપતિ
મોરપીંછ આસન
પર ગણપતિ
શેષનાગ પર ગણપતિ
ઉંદર ઉપર ગણપતિ
બાલ સ્વરૂપમાં ગણેશ
શિવલિંગની પૂજા કરતા ગણપતિ
કૃષ્ણના સ્વરૂપમાં ગણેશ