આઈપીએસ સ્કૂલમાં ભાજપના હોદ્દેદાર મહેન્દ્ર પટેલ ભાગીદાર હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
રાજ્યમાં ચાલી રહેલા ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના ધારાસભ્ય, ચૂંટાયેલા સભ્યો સહિત હોદ્દેદારોને ફરજિયાત સદસ્ય બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ સદસ્ય બનાવવામાં સુરેન્દ્રનગર જિલ્લાનો રાજ્યમાં દ્વિતીય ક્રમે હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનો દ્વિતીય ક્રમ આવવા પછડનું કરનનો પણ ઘટસ્ફોટ થયો છે અહી ભાજપના સદસ્ય બનાવવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓને અને વાલીઓને સદસ્ય બનાવ્યા છે.
- Advertisement -
અગાઉ વઢવાણના અણીન્દ્રા ગામે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં કુ.એમ.આર ગાર્ડી વિદ્યાલયના વિદ્યાર્થીઓને મોબાઈલમાં લિંક દ્વારા ભાજપના સદસ્ય બનાવ્યા હતા ત્યારે આ મામલો હજુ ઠંડો નથી પડ્યો તેવામાં સુરેન્દ્રનગરની આઇપીએસ (ઇન્ડિયન પબ્લિક સ્કૂલ)ના સંચાલકો દ્વારા પણ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને દરરોજના હોમવર્ક સહિતની માહિતી માટે બનાવેલા વોટસઅપ ગ્રુપમાં ભાજપ સદસ્ય માટેની લીંક વાઇરલ કરવામાં આવી હતી.
જ્યારે સુરેન્દ્રનગરની આઇપીએસ સ્કૂલમાં શહેર ભાજપના જ મુખ્ય હોદ્દેદાર મહેન્દ્ર પટેલ પણ ભાગીદાર હોવાનું સામે આવ્યું છે તેવામાં સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમને આગળ વધારવાનો બદલે રાજનીતિના પાઠ શીખવવાના શરૂ થયા હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે જેથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ પ્રકારની સ્કૂલ સામે કડક કાર્યવાહી હાથ ધરી તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર શહેર ભાજપના નેતાઓ દ્વારા ટાર્ગેટ પુરો ન થતા વધુ એક વખત શાળાના બાળકોના વાલીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ધડાકો થયો છે.
હજુ પણ સુરેન્દ્રનગરની અનેક ખાનગી શાળાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચર્ચા વહેતી થઈ છે. બાળકો ના મગજમાં શિક્ષણના બદલે રાજનીતિ ઘુસાડવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉભું થયું છે.