હવામાન વિભાગે હજુ ત્રણ-ચાર દિવસ તાપમાન વધવાની અને તેને પગલે હીટવેવની આગાહી કરી છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશના અનેક રાજ્યોમાં શુક્રવારે વિક્રમી ગરમી નોંધાઈ છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં પારો 46 ડિગ્રી સે. તેમજ ઝારખંડ, ઓડિશામાં 45 ડિગ્રીને પાર રહ્યો છે. પરિણામે દેશના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ રહી છે તેમજ ભીષણ ગરમી અને લૂનો કેર યથાવત્ રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં પણ 46 ડિગ્રી સે.થી વધુ ગરમી નોંધાઈ છે. વધુમાં દિલ્હીમાં આખો એપ્રિલ મહિનો વિક્રમી ગરમી અનુભવાઈ છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીમાં એપ્રિલ મહિનો 72 વર્ષમાં બીજો સૌથી ગરમ મહિનો રહ્યો છે. મહારાષ્ટ્રના નાસિકમાં હીટસ્ટ્રોકના કારણે એક વૃદ્ધનું મોત થયું હતું. રાજસ્થાનમાં શુક્રવારે 46.5 ડિગ્રી સાથે ધોલપુર સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.
હવામાન વિભાગે હજુ ત્રણ-ચાર દિવસ તાપમાન વધવાની અને તેને પગલે હીટવેવની આગાહી કરી છે. રાજ્યના અનેક સ્થળો પર રાત્રીનું તાપમાન 30 ડિગ્રી સે.થી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ જોધપુર અને બિકાનેરના જિલ્લાઓમાં 1લી અને 2જી મેના રોજ મહત્તમ તાપમાન 45 અને 47 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્ય પર વધુ એક પશ્ચિમી વિક્ષોભ રચાય તેવી શક્યતા છે, જેને પગલે રાજસ્થાનના કેટલાક ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ઉમેર્યું કે, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં 2જી અને 4થી મે વચ્ચે હળવા વરસાદની શક્યતા છે.


