બબ્બે વખત તપાસ બાદ પાઠવેલા અહેવાલને DPEO દ્વારા અધ્ધર ચડાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
રાજ્યમાં નકલી ચીજ વસ્તુઓની બોલબાલા સાથે હવે નકલી સ્કૂલ પણ ધમધમતી થઈ છે અહી નકલી સ્કૂલ એટલા માટે કહી સકાય કારણ કે જે સ્કૂલની પરવાનગી જ નથી તે સ્કૂલ છેલ્લા એકાદ વર્ષથી ધમધમી રહી છે છતાં સ્થાનિક શિક્ષણ વિભાગનું તંત્ર માત્ર તપાસના નાટક આદરી રીતસરના સ્કૂલ સંચાલકને સમય આપી રહ્યા હોવાનું સાબિત થયું છે. આ સ્કૂલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલી છે ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી વિસ્તાર નજીક આવેલી સ્કૂલ હાઇવે અને રેલવે ટ્રેક નજીક તો છે પરંતુ સ્કૂલ છેલ્લા એકાદ વર્ષથી રાજ્યના શિક્ષણ વિભાગની મંજૂરી વગર જ શરૂ કરી દેવાઈ છે. સ્કૂલમાં હાલ 45 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે તમામ વિદ્યાર્થીઓ મંજૂરી વગરની સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ જોખમમાં હોય તેવું પણ સ્પષ્ટ સાબિત થાય છે આ તરફ મંજૂરી વગરની નકલી સ્કૂલ શરૂ થવા બાબતે “ખાસ – ખબર” દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતા જ જિલ્લા શિક્ષણ અધિકારીને છેક ગાંધીનગરથી રેલી આવ્યો હતો અને તપાસ કરવાના આદેશ છૂટયા હતા જોકે જિલ્લા શિક્ષણ અધિકારી પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળવાનો સમય ન હોવાથી તેઓ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોંપી હતી પરંતુ આ તપાસમાં સ્કૂલની પરવાનગી બાબતની તપાસના બદલે સ્કૂલમાં પ્રાથમિક ધોરણ શરૂ છે કે કેમ ?
- Advertisement -
તે અંગેની તપાસ કરી કુલડીમાં ગોળ ભાંગ્યો હતો જે બાદ “ખાસ – ખબર” મુહિમ યથાવત રહેતા ફરી એક વખત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પુન: તપાસ સોંપી હતી આ વખતે પુન: તપાસ ધ્રાંગધ્રા બી.આર.સી ને સોંપવામાં આવી હતી જોકે બી.આર.સી દ્વારા સ્કૂલમાં 15 જેટલા અભ્યાસ કરતા બાળકો ખરેખર બાલવાટિકામાં હોવા જોઈએ જે હાલ નર્સરીમાં છે તે પ્રકારની વિગત ટાંકી અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કર્યો હતો પરંતુ જિલ્લા અધિકારી દ્વારા આ અહેવાલ પણ પોતાની ચેમ્બરમાં મળીયે ચડાવી દીધો હોય તેમ પંદરેક દિવસ કરતા વધુ સમય થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેથી સ્પષ્ટ રીતે નકલી સ્કૂલના સંચાલક સામે જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઢીંચણીયે થયા હોવાનું સાબિત થયું હતું. આ તરફ સ્કૂલ સંચાલક દ્વારા રાજ્ય સરકારના ફેબ્રુઆરી 2025 સુધીમાં સ્કૂલની પરવાનગી લેવા અંગેના પરિપત્રની ખોટું અર્થઘટન કરી શિક્ષણ વિભાગના કર્મચારીઓને દબાવી રહ્યા છે જેમાં ખરેખર અગાઉ ચાલતી સ્કૂલો માટેની સમય મર્યાદા છે બાકી નવનિર્માણ કરેલી સ્કૂલને ફરજિયાત ઓનલાઇન પરવાનગી લીધા બાદ જ પોતાની સ્કૂલ શરૂ કરવાની હોય છે
પરંતુ આ સ્કૂલ મંજૂરી લીધા વગર અને મંજૂરી માટેની પ્રક્રિયા કર્યા વગર જ શરૂ કરાઇ દેવાઈ છે જે તદન રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્રના ઉલંઘન કરતા છે છતાં જિલ્લા શિક્ષણ વિભાગ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શક્યું નથી. જોકે હાલમાંજ ગત 9 ઓક્ટોમ્બર 2024ના એક પરિપત્રમાં આર.ટી.આઇ 2029ના નિયમ મુજબ સ્કૂલ પરવાનગી વગર શરૂ કરી શકે નહિ અને જો શરૂ કરે તો તેને દરરોજ એક ધવસના એક હજાર રૂપિયા લેખે દંડ ચૂકવવાનો પણ ઉલ્લેખ કરાયો છે પરંતુ અહી શિક્ષણ વિભાગ સ્કૂલ સંચાલકના ખિસ્સામાં હોય તે પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ સામે તપાસ તો દૂર સ્કૂલની આસપાસ ફરકવાનું પણ ટાળે છે ત્યારે શિક્ષણ વિભાગની આ પ્રકારે બેદરકારીને લીધે ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા 45થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય હોવાનું સ્પષ્ટ નજરે પડે છે.
જિલ્લા શિક્ષણ વિભાગની બે વખત તપાસ કરી પરંતુ એક પણ તપાસના અંતે મંજૂરી નહિ હાઇવે છતાં ચાલતી સ્કૂલ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઇ નહિ જેથી જિલ્લા શિક્ષણ અધિકારીની કામગીરી પર પણ શંકા ઉદભવે છે.
- Advertisement -
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા “રાજ્ય સરકાર, સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગર પાલિકા સિવાય અન્ય દરેક મંજૂરી વગરની સ્કૂલોને ભૂતિયા શાળા ગણી સેકશન 18(5) ઓફ આર.ટી.ઇ એક્ટ 2005 મુજબ દંડ ફટકારી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચના આપતો આદેશ તારીખ 9 ઓક્ટોમ્બર 2024ના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.