કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ભુલકાઓને પાઠશાળામાં પ્રવેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે ગાંધીનગર શહેરમાં શાળા પ્રવેશોત્સવ અને કાયાકલ્યાણ મહોત્સવ 2025નો શુભારંભ થયો હતો. મંત્રીએ સેક્ટર-7, 8 અને 2ની શાળાઓની મુલાકાત લઇને ધોરણ-1માં દાખલ થનારા બાળકોને શાળાવેશ અપાવ્યો અને શૈક્ષણિક કિટની ભેટ આપી. આ તકે ઢોલ-નગારાની ગાજ સાથે વિદ્યાર્થીઓના વધામણા કરવામાં આવ્યા હતા.
- Advertisement -
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, છોકરીઓના સપનાને સાકાર કરવા તેમને ઉચ્ચ શિક્ષણ મળવું જરૂરી છે. સાથે વાલીઓને અનુરોધ કર્યો હતો કે, પોતાના બાળકને નિ:સંકોચ રીતે શાળામાં દાખલ કરો, સરકાર તમામ આવશ્યક સહાય પૂરી પાડશે. તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે પ્રવેશોત્સવ એક મોટું પગલું છે. ડ્રોપઆઉટ રેટ ઘટી રહ્યો છે અને દરેક બાળકના શાળામાં પ્રવેશ માટે સરકાર પ્રતિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું.
આ પ્રસંગે પીએમ પોષણ યોજના અંતર્ગત વૃક્ષારોપણ પણ હાથ ધરાયું હતું. એક પેડ માતાના નામ અભિયાન હેઠળ વૃક્ષો રોપી પોષણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આજના દિવસે ગાંધીનગરમાં 10 આંગણવાડી, 32 બાલવાટિકા અને 37 ધોરણ-1ના વિદ્યાર્થીઓ મળી કુલ 79 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ભાજપના આગેવાન આકાશ દવે, શાળાના આચાર્યો, શિક્ષકો, આંગણવાડી કાર્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.