રાજ્યભરમાં ઠેર-ઠેર જળબંબાકાર થવાથી અનેક વિસ્તારમાં મોટીમાત્રામાં પાણી ભરાયા છે, ત્યારે વડોદરા, પોરબંદર, કચ્છના અબડાસા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. જ્યારે હજુ પણ અમુક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે જામનગરમાં આવેલા પૂરના પાણીમાં તણાયેલા સાત વ્યક્તિમાંથી પાંચ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે ગુમ છે.
પૂરમાં તણાયેલા પિતા-પુત્રના મૃતદેહ મળી આવ્યા
- Advertisement -
રાજ્યમાં 27 ઑગસ્ટના દિવસે જામનગરમાં ધોધમાર વરસાદ બાદ તારાજીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં સત્યમ કોલોનીમાં રહેલા બે પિતા-પુત્ર રેલવે અંડર બ્રિજથી પસાર થતાં સમયે ભારે પાણીના પ્રવાહમાં તણાયા હતા. ભારે શોધખોળ બાદ ગઈ કાલે (29 ઑગસ્ટે) વારાફરતી બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.
અન્ય બે વ્યક્તિના પૂરના કારણે જીવ ગયા
જામનગરના ધ્રોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ આવેલા પૂરમાં તણાયેલા એક વ્યક્તિની લાશ મળી આવી હતી. જ્યારે સુભાષ બ્રિજ નજીક મળેલી અજાણ્યાં વ્યક્તિની લાશનો પોલીસે કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
મહિલા પોલીસનો ભાઈ મોતને ભેટ્યો
બીજી તરફ, બેડી મરૂન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસનો ભાઈ પાણીમાં તણાયો હતો. આ પછી લાંબી શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
હજુ પણ બે યુવાનો ગુમ
જામનગર તાલુકાના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે સ્થિતિ કપરી બની હતી. જેમાં પૂર આવવાથી કેટલાક લોકો પ્રભાવિત થયા છે, ત્યારે મિયાત્રા અને જામજોધપુર તાલુકાના હીરવાટી ગામના બે વ્યક્તિ પૂરના પાણીમાં તણાયા હોવાથી હજુ પણ ગુમ છે.
4048 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થાળાંતર, 918થી વધુ લોકોના રેસ્ક્યુ
જામનગરમાં ધોધમાર વરસાદને પગલે આવેલા પૂરથી અનેક લોકો પ્રભાવિત થયા છે, ત્યારે 4048 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે બે સગર્ભા મહિલા સહિત 918થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
મૃતક વ્યક્તિની યાદી
1. પ્રદીપભાઈ ગોસ્વામી (ઉ.વ. 40)
2. શુભમ પ્રદીપભાઈ ગોસ્વામી (ઉ.વ. 10)
3. નરેન્દ્રભાઈ (ઉ.વ. 14)
4. રાજેશ કેવલીયા (ઉ.વ. 45)
5. અજાણ્યો વ્યક્તિ