11 મહિના બાદ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ગત ઓક્ટોબર-2024માં સ્ટેટ મોનીટરીંગ સેલ (જખઈ)ની ટીમે રેડ કરી હતી. આ રેડ દરમિયાન કેસ્ટ્રોલ સહિત જાણીતી કંપનીઓના નામે ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું મોટું કોભાંડ બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 23.38 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને સેમ્પલ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. હવે, લગભગ 11 મહિના બાદ એફએસએલનો રિપોર્ટ આવતા ટંકારા પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
- Advertisement -
દિલ્હીના રહેવાસી ગોવિંદન રંગનાથન કૌઊંડર (ઉ.વ. 35)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અરુણભાઈ ગણેશભાઈ કુંડારિયા, મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર અને સલમાનખાન – આ ત્રણેયે મળીને નકલી ઓઈલ બનાવવાનો ધંધો ચલાવ્યો હતો. ફરિયાદ મુજબ, અરુણ અને મેહુલ ટંકારામાં ગોડાઉન ભાડે લઈને કેસ્ટ્રોલ તેમજ અન્ય જાણીતી કંપનીઓના નામે હલકી ગુણવત્તાનું ઓઈલ ડબ્બા અને પાઉચમાં ભરીને સ્ટીકર લગાવી વેચાણ કરતા હતા.
આરોપી સલમાનખાન, જે દિલ્હીનો રહેવાસી છે, તે આ નકલી ઓઈલ મંગાવી બજારમાં વેચાણ માટે સપ્લાય કરતો હતો. આ રીતે ત્રણેય આરોપીઓએ નકલી માલ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી અને વિશ્વાસઘાત આચર્યો હતો.
ટંકારા પોલીસે હાલમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે સ્થાનિક ઉદ્યોગ જગતમાં તેમજ વેપારીઓમાં ભારે ચર્ચા ચાલી રહી છે.