રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો પ્રારંભ
રાજકોટથી રોજ બપોરે 4 વાગ્યે ઉપડશે, ગાંધીનગરથી સવારે 7-30 કલાકે ઉપડશે
- Advertisement -
ભાડું રૂ. 452 નક્કી કરાયું, બસ માત્ર 5 કલાકમાં ગાંધીનગર પહોંચાડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ હું પાકો ડ્રાઇવર છું કહી એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં દર્શિતા બહેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ગાંધીનગર વચ્ચે આજથી શરૂ થયેલી અઈ સીટર બસ બપોરે 4 વાગ્યે ઉપડશે. જ્યારે ગાંધીનગરથી રાજકોટ આવવા માટે આ બસ સવારે 7-30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. રાજકોટ-ગાંધીનગરનું ભાડું રૂ. 452 નક્કી કરવામાં આવ્યું છે.
વધુમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યુ કે મારા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બસ સ્ટેશનથી ગાંધીનગર સાંજના સમયે જવા માંગતા અધિકારીઓ અને લોકોની બસ શરૂ કરવાની માંગણી હતી. જે પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે જણાવ્યું કે, આ બસ માત્ર 5 કલાકમાં ગાંધીનગર પહોંચાડે છે. જેથી અપ ડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે.
રાજકોટ એસટીના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યુ હતુ કે, હાલ રાજકોટ – ગાંધીનગર વચ્ચે સવારે 5 અને 5.30 વાગ્યે વોલ્વો દોડે છે. જોકે રાજકોટ – ગાંધીનગર પ્રથમ એસટી સીટર બસ શરૂ થવા જઈ રહી છે. જે દરરોજ સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કોન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.452 રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 10 વોલ્વો સીટર સર્વિસનું સંચાલન થાય છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ છે. જ્યારે 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર-જુનાગઢ, મુન્દ્રા, મહુવા, દ્વારકા તથા અંબાજી રૂટ પર દોડે છે. આ ઉપરાંત 23 ઇલેક્ટ્રીક એસી બસ દોડે છે. જેમાં જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જુનાગઢ-સોમનાથ રૂટનો સમાવેશ થાય છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર માટે અલગ ઈન્કવાયરી બારીનો પ્રારંભ કરાયો
રાજકોટ એસટીના વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના લોકો અને પદાધિકારીઓની માંગણી હતી કે, રાજકોટથી ગાંધીનગરની સાંજની એસી સીટર બસ શરૂ કરવામાં આવે. જેથી આ બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને શનિ – રવિવારે કે અન્ય કોઈ દિવસે ગાંધીનગર સાંજના સમયે જવું હોય તો તેઓ જઈ શકશે. આ સાથે જ રાજકોટનું હબ ગણાતા સૌરાષ્ટ્ર માટે અલગ ઇન્ક્વાયરી બારી પણ શરૂ કરવામાં આવી છે.



