ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા, તા.10
ગત તારીખ 23 ને બુધવારના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજ અને છાત્રાલયના તમામ કર્મચારીઓનું પ્રથમ સત્રના અંતિમ ચરણમાં સમૂહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ સંજયભાઈ એમ. મહેતા (સંગીત શિક્ષક જે .વી. મોદી હાઇસ્કુલ) ને સંગીતના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન બદલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રેશભાઇ બોરીસાગરને શિક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માનનીય ડો. રાજેન્દ્રભાઈ ખીમાણી – વાઇસ ચાન્સેલર લોકભારતી યુનિવર્સિટી, માનનીય ગોહિલ સાહેબ- જિલ્લા શિક્ષણ અધિકારી, અમરેલી અને માનનીય મનોહરભાઈ ત્રિવેદી – કવિ અને શિક્ષણવીદની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજેન્દ્રભાઈ ખીમાણી અને ગોહિલ સાહેબે સર્વોને શિક્ષણની બદલાતી ક્ષિતિજો, નવી તરાહો, અધ્યાપન નિષ્પતિઓ વિશે માહિતી આપી હતી. મનોહરભાઈત્રિવેદીએ પોતાની આગવી શૈલીથી બધા કર્મચારીઓમાં જોમ રેડયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી નુતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચાએ સૌને આવકાર્ય હતા. કાર્યક્રમમાં બંને એવોર્ડ વિજેતા શિક્ષકોને 5100નું રોકડ પુરસ્કાર ઘેલાણી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદારે આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન ટ્રસ્ટી વિનુભાઈ રાવળે કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ ભોજનનો લ્હાવો પણ લીધેલો. આ અદભુત કાર્યક્રમે સર્વે કર્મચારીઓ અને આચાર્યોમાં એક નવા ચેતનાનો સંચાર કર્યો હતો.
સાવરકુંડલા : નુતન કેળવણી મંડળ દ્વારા યોજાયો સત્રાંત મિલન તથા સન્માન સમારોહ
