કોઠીંબાનું ગુજરાત બહાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના રાજ્યોમાં વેચાણ
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામ નગરના એક ખેડુત પાંચ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા છેલ્લા બે વર્ષથી કોઠીંબાનું વાવેતર કરતા જોવા મળ્યા હતા. શ્રાવણ મહિનાની શરૂઆતના સમયે આ કોઠીંબાનું વાવેતર કરવામાં આવે છે પાંચ વીઘામાં ચાલુ વર્ષે કોઠીંબાનું વાવેતર કરવામાં આવેલ. કોઠીંબાની સારી રીતે માવજત કરવામાં આવે છે. એક મહિના સુધી કોઠીંબાને સારી રીતે દવા ખાતર અને પિયત આપવામાં આવે છે જેથી એક મહિનાના સમય બાદ 30 થી 35 દિવસે કોઠીંબાનો ઉતારો શરૂ કરવામાં આવે છે અને ઉત્પાદન શરૂ થાય છે. પાંચ વીઘાના કોઠીંબામાં રોજનો એક બળદ ગાડા જેટલો ઉતારો આવે છે એને બળદગાડા દ્વારા ખેંચી વાડીએથી ઘર સુધી લાવવામાં આવે છે ઘરે લાવ્યા બાદ કોઠીંબાને અલગ અલગ બે પાણી દ્વારા ધોઈને યોગ્ય સફાઈ કરવામાં આવે છે. સફાઈ કર્યા બાદ કોઠીંબાના બે ભાગ કરવામાં આવે છે અને સિંધવ મીઠું કોઠીંબામાં નાખ્યા બાદ સૂર્યપ્રકાશમાં અગાસીની ઉપર તેમજ ઘરમાં રહેલ ઓસરીમાં સૂકવવામાં આવે છે.
- Advertisement -
તેમજ કોઠીંબાને કાપણી કર્યા બાદ સુકવણી સમયે ગ્રેડેશન કરવામાં આવે છે અને ગ્રેડેશન કર્યા બાદ સૂર્યપ્રકાશમાં સુકવણી કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારના તત્વો ઓછા થતા નથી અને મીઠાશ સારી રહે છે. કોઈપણ પ્રકારની મશીનરી કે ઓવનનો ઉપયોગ કરવામાં આવતો નથી 100 ટકા ઓર્ગેનિક હોવાને કારણે સૂર્યપ્રકાશમાં સુકવણી કરવામાં આવે છે. અને બાદમાં સુકાઈ ગયેલી કાચરીને એકત્ર કરવામાં આવે છે અને જેને પ્લાસ્ટિકની કોથળીમાં એક કિલો પાંચ કિલો અને 500 ગ્રામનું પેકિંગ કરવામાં આવે છે અને જેનું વેચાણ ખુલ્લા માર્કેટ તેમજ ઓર્ડર દ્વારા અમદાવાદ સુરત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબ સહિતના રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે. આમ જો કૃષિ ક્ષેત્રે યોગ્ય દૃષ્ટિકોણ અને કૂનેહથી કામ લેવામાં આવે તો ધરતી પણ રાજી થાય. અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થઈને રૂપિયાનો વરસાદ વરસાવે એમાં શંકાને કોઈ સ્થાન નથી.આમ કડવા કોઠીંબા પણ લક્ષ્મીદેવી કૃપાથી મીઠાં મધ જેવા લાગે.