પત્રકારત્વ ભવનમાં કરાર આધારિત અધ્યાપકની ભરતીની પસંદગી પ્રક્રિયા નિયમ અનુસાર જ થઈ છે
ખાસ- ખબરનો સચોટ પૂરાવાઓ સાથેનો EXCLUSIVE અહેવાલ
- ભવ્ય રાવલ
પત્રકારત્વ ભવનમાં કરાર આધારિત ભરતી મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતા ત્રણ તથ્યો
અસત્ય : અનુભવીને છોડી ઓછી લાયકાતવાળાની ભરતી કરવામાં આવી
- Advertisement -
સત્ય : ભરતી કરવામાં જ નથી આવી, માત્ર પસંદગી પ્રક્રિયા થઈ છે એ પણ નિયમ મુજબ
અસત્ય : ભરતી રદ્દ ન થાય તો અભ્યાસ છોડવાની વિદ્યાર્થીઓની ચીમકી
સત્ય : વિદ્યાર્થીઓને ખબર જ નથી કે ભવનમાં ભરતીની પ્રક્રિયા થઈ છે
- Advertisement -
અસત્ય : નેટ–સ્લેટ, પીએચ.ડી. વિનાના ઉમેદવારોની ભરતી ન થઈ શકે
સત્ય : સૌ.યુનિ.એ આપેલી ભરતીની જાહેરાતમાં એમ.ફિલ. એમ.જે.એમ.સી. કરેલાઓ પાસેથી પણ અરજી મંગાવવામાં આવી છે એટલે નેટ–સ્લેટ, પીએચ.ડી. વિનાના ઉમેદવારોની ભરતી પણ થઈ શકે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી એ હાલ વિવાદનો વંટોળ ઉભો કર્યો છે. આ એક એવો વિવાદ છે જેમાં મીડિયામાં પણ વાસ્તવિકતાથી જોજનો દૂર જોવા મળ્યું છે ત્યારે ખાસ ખબર દ્વારા આ સમગ્ર મામલે ખાસ તપાસ કરવામાં આવી હતી અને જેમાં સત્યનાં મૂળ સુધી પહોચતા જાણવા મળ્યું હતું કે, પત્રકારત્વ ભવનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો આધારિત જ ઉમેદવારની ભરતી માટે પસંદગી કરવામાં આવી છે, ભવનમાં પસંદગી કરેલા ઉમેદવારની પસંદગી પર અંતિમ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લે છે,ભવન નહીં. પત્રકારત્વ ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયામાં તમામ ધારાધોરણ અને નિયમોને ધ્યાને રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. હવે ફાઈનલ સિલેકશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરવાનું છે. એટલે જો પત્રકારત્વ ભવન દ્વારા પસંદગી પ્રક્રિયામાં કઈ ગેરરીતિ થઈ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જ પસંદગી પ્રક્રિયા રદ્દ કરી દેવી જોઈએ. આ સમગ્ર મામલે પત્રકારત્વ ભવનનાં વડાને દોષ દેવાનો કે ખુલાસો પૂછવાનો કોઈ અર્થ નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનમાં ખાલી પડેલી પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરો સહિતની શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુંમાં પત્રકારત્વ ભવનમાં ગેરરીતિ થઈ હોવાના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે પત્રકારત્વ ભવનમાં ઈન્ટરવ્યું દરમિયાન શું હકીકતમાં ગેરરીતિ થઈ હતી? તેની તપાસ કરતા જરૂરી પૂરાવાઓ – કાગળિયાં, ઓડિયો ક્લીપ પરથી માલૂમ પડે છે કે, પત્રકારત્વ ભવનનાં વડા ડો. નીતા ઉદાણી સહિત નિષ્ણાતોની પેનલ દ્વારા આસિ.પ્રોફે.ની ભરતીમાં જરૂરી લાયકાત, ગુણ, વિદ્યાર્થીહિત ધ્યાને લેતા યોગ્ય ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઈન્ટરવ્યુંમાં એક મહિલા પ્રોફેસરની પસંદગી ન થતા તેમણે ફેલાવેલા જુઠ્ઠાણાઓ અને અફવાઓ સમગ્ર મામલે વિવાદ ચગાવ્યો હતો અને આ વિવાદ એટલી હદ સુધી વકર્યો છે કે હવે પત્રકારત્વ ભવનનાં વડા વિરુદ્ધ સવાલો અને શંકાઓ ઉઠી રહી છે. આ અંગે ખાસ ખબરનો સચોટ સત્ય પેશ કરતો એક્સલ્યુસિવ અહેવાલ.
સવાલ : પી.એચડી.નો ફાઈનલ વાઈવા બાકી છે, અનુભવ નથી તેમ છતાં જીતેન્દ્ર રાદડિયા નામના ઉમેદવારની પસંદગી પત્રકારત્વ ભવનમાં અધ્યાપક તરીકે કેમ કરવામાં આવી?
પડતાલ : પત્રકારત્વ ભવનમાં અધ્યાપક તરીકે પસંદ ન થયેલા ત્રણ ઉમેદવાર પૈકી એક ઉમેદવાર તૃપ્તિ વ્યાસ છે જેઓ તે બેઠક પર હતા જ. અગિયાર મહિનાનો કરાર પૂર્ણ થતા સગર્ભા હોવાના કારણે તેમને એ બઠક પર યથાવત રખાયા નથી કારણ કે, જો તેમની પસંદગી કરવામાં આવે તો જ્યારે તેઓ એકાદ-બે મહિનામાં પ્રસુતિની રજા પર ઉતરે ત્યારે સૌ.યુનિ.નાં નિયમો અનુસાર તેમનો કરાર આપોઆપ ભંગ થાય તેમજ અગિયાર મહિના સુધી બેઠક ખાલી રહેતા અંતે વિદ્યાર્થીઓનાં ભણતરમાં નુકસાન થાય. બાકી બચેલા ઉમદેવાર ધીરેન મકવાણા અને મનોજ પટેલે નેટની પરીક્ષા પાસ કરી છે પરંતુ તેમની પાસે યુજીસી માન્ય અન્ય જરૂરી લાયકાતવાળા સર્ટિફિકેટ, રિસર્ચ પેપર વર્ક નથી ઉપરાંત તેમણે ભરતી પ્રક્રિયાનાં ઈન્ટરવ્યુંમાં ડેમો લેક્ચર દરમિયાન નબળું પ્રદર્શન કરેલ. બીજી તરફ જીતેન્દ્ર રાદડિયાનું ભરતી ઈન્ટરવ્યુંમાં પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું અને તેમની પાસે યુજીસી માન્ય અન્ય જરૂરી લાયકાત – સર્ટિફિકેટ, રિસર્ચ પેપર છે. તેથી પી.એચડી.નો ફાઈનલ વાઈવા બાકી છે, અનુભવ નથી તેમ છતાં જીતેન્દ્ર રાદડિયા નામના ઉમેદવારની પસંદગી પત્રકારત્વ ભવનમાં અધ્યાપક તરીકે કરવામાં આવી છે.
સવાલ : કરાર આધારિત ભરતીની પસંદગી પ્રક્રિયાનાં ઈન્ટરવ્યુંમાં શું થયેલું?
પડતાલ : પીએચ.ડી કે નેટ-સ્લેટ પાસ હોવું એ ઈન્ટરવ્યું માટેની લાયકાત નક્કી કરે છે. પીએચ.ડી. કે નેટ-સ્લેટ પાસ હોય એટલે ભરતી પ્રક્રિયામાં પસંદગી થઈ જ જાય તેવું ન હોય. ભરતી પ્રક્રિયા પસંદગીનાં ઈન્ટરવ્યુંમાં નેટ પાસ એક ઉમેદવારે ડેમો લેક્ચરનો વિષય સાંભળીને જ બોલવાની ના પાડી દીધેલી અને અમાન્ય સર્ટીફીકેટ રજૂ કરી દીધેલા. અન્ય એક ઉત્તર ગુજરાત બાજુનાં ઉમેદવારે મહેસાણી ભાષામાં ડેમો લેક્ચર આપેલો અને એ પણ એટલો નબળો કે, સામે વ્યક્તિ કશું સમજી ન શકે. છોની જગ્યાએ ચ્યો બોલતા અને અમાન્ય સર્ટીફીકેટ રજૂ કરતા ઉમેદવારોનાં મેરિટમાં માર્ક્સ ઓછા આવતા તેમની પસંદગી કરવામાં આવી ન હતી. ઈન્ટરવ્યુંના ડેમો લેક્ચરનાં અને રિસર્ચ વર્કના ગુણ નિષ્ણાતો મૂકે છે પછી જે ટોટલ થાય છે એને 6 વડે ભાગવાના હોય છે. અને એ પ્રમાણે મેરીટ લિસ્ટ બને છે. જેમાં જીતેન્દ્ર રાદડિયા નામનાં ઉમેદવારે બાજી મારતા તેમની પસંદગી કરવામાં આવી હતી.
સવાલ : પત્રકારત્વ ભવનમાં કરાર આધારિત અધ્યાપક ભરતીમાં વિવાદ કેમ?
પડતાલ : પત્રકારત્વ ભવનના કરાર આધારિત સગર્ભા અધ્યાપિકા કોરોનાનું બહાનું આપી 15 દિવસ રજા ઉપર ઉતરી ગયા અને 15 દિવસની રજા ભોગવ્યા બાદ પોતે કોરોનાગ્રસ્ત હોવાનું હજુ સાબિત નથી કરી શક્યા! અહીંથી આ વાત ન અટકતા પત્રકારત્વ ભવનનાં એ જ મહિલા અધ્યાપિકા સગર્ભા હોય આ વર્ષે તેમનો કરાર યથાવત ન રાખવામાં આવતા એ સગર્ભા અધ્યાપિકા વતી ભરતી પ્રક્રિયામાં ભોપાળાકાંડ થયા છે એવું સાબિત કરવા સૌ જંગે ચડ્યા છે. મહિલા પ્રોફેસર દ્વારા મીડિયામાં જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવ્યા છે અને મીડિયા પણ આ સંદર્ભે એ જુઠ્ઠાણાઓ આધારિત અર્ધ સત્ય પ્રકાશિત કરી રહી છે. આ મહિલા પ્રોફેસર અગાઉ પણ અનેક વખત વિદ્યાર્થીઓ સાથે તકરારમાં ઉતરી વિવાદમાં આવી ચૂક્યા છે અને હવે તેઓ સગર્ભા હોવા છતાં પોતાને અધ્યાપિકાનાં પદ પર યથાવત રખાય તેવી જીદે ચઢ્યા છે. અધૂરામાં પૂરું પત્રકારત્વ જગત ઉપરાંત ઉપરાંત શિક્ષણ જગતનાં કેટલાંક લોકો સાથે મહિલા પ્રોફેસરને ગાઢ સંબંધો હોય એ તેમનો પણ લાભ ઉઠાવી રહ્યાં છે. હાલ પત્રકારત્વ ભવનમાં ખાલી પડેલી કોન્ટ્રાક્ટબેઝ આસિ. પ્રોફે.ની બેઠક પર બેસવા આવા ઉમેદવારો ભવનનાં વડા વિરુદ્ધ સામ, દામ, દંડ, ભેદની નીતિ આપવાની રહ્યાં છે અને પત્રકારત્વ ભવનને ભદનામ કરવાનું કાવતરું રચી રહ્યાં છે. જરૂરી નિયમો અને ઉમેદવારોની જોયતી લાયકાતથી પણ વધુ પહોચ ધરાવતી આવી અ’તુપ્ત’ આત્માને કારણે પત્રકારત્વ ભવન સહિત સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બદનામ થઈ રહી છે અને સમગ્ર ભરતી પસંદગીની પ્રક્રિયાએ વિવાદ ચગાવ્યો છે.