રાજકોટ, બોટાદ, ગોંડલ, બાબરા યાર્ડમાં સૌથી વધુ કપાસના ઢગલા
જેતપુરમાં રેકર્ડ બ્રેક રૂા.3 હજારનો કપાસનો ભાવ ઉપજ્યો
માર્કેટ યાર્ડ ફરી શરૂ થતાં કપાસના ભાવમાં તેજીની આગ લાગી છે. હાલ ભાવો ખૂબ જ ઊંચા હોવાથી અને આગામી વૈશાખ માસમાં લગ્નસરામાં ખેડૂતોને નાણાની જરૂરિયાત સંતોષવી હોવાથી ઊંચા ભાવે કપાસનું વેચાણ ચાલુ થયું છે. આજે કપાસના ઈતિહાસમાં કોઈએ કદી ન જોયેલા હોય તેવા એક મણનો ભાવ રૂા.3000ની ઊંચી સપાટીએ આંબી જતાં ખેડૂતો, જિનર્સો, વેપારીઓ નવાઈમાં પડી ગયા છે. સૌરાષ્ટ્રના જેતપુર માર્કેટ યાર્ડમાં 3700 મણ કપાસની આવક થઈ હતી. અને ભાવ રૂા.1551થી 3000 થયો હતો. આજે બોટાદ, રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના 42 યાર્ડોમાં એકથી સવા લાખ મણ કપાસની આવક દેખાઈ હતી. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી પણ રોજ 20થી 40 ટ્રકો કપાસ વેચવા આવે છે. બાબરા યાર્ડમાં 14000 મણ કપાસની આવક હતી. અમરેલી યાર્ડમાં 9600 મણની આવક હતી અને ભાવ ઊંચામાં રૂા.2600 સુધી બોલાયો હતો.