જૂનાગઢમાં વરસાદે વિરામ લેતાં શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એક તરફ હવે નવરાત્રિ શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 28 જિલ્લાના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું. જો કે, સવારથી જૂનાગઢ શહેરમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા આજે આજે સવારે 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પણ સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા રૂલ લેવલ જાળવવા માટે 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા હેઠવાસમાં આવતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આમ તો રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ભાદરવાના અંતમાં પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 112 તાલુકામાં વરસાદની હાજરી નોંધાઈ છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
- Advertisement -
રાજ્યમાં ચાલુ વર્ષે સિઝનનો સરેરાશ 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સાથે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા રાજ્યના મોટાભાગના જળાશયો છલોછલ થયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ ગમે ત્યારે છલકાઈ તેવી સ્થિતિ છે. ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. તેની સામે હાલ 138.61 મીટરે પહોંચી ચૂકી છે.
અમદાવાદ શહેરમાં આજે સવાર પડતા જ ગાજવીજ અને વીજળીના ચમકારા શરૂ થયા હતા. 7 વાગ્યાના અરસામાં તો વાતાવરણ એવું થયું હતું કે, થોડીવારમાં જ વરસાદ તૂટી પડશે. પરંતુ, ગાજવીજ થયા બાદ થોડીવારમાં જ વાતાવરણ શાંત પડ્યું હતું અને તડકો નીકળ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 137% વરસાદ
રાજ્યમાં આ ચોમાસુ સરેરાશ કરતા સારુ રહ્યું છે. તમામ ઝોનમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. આજે સવાર સુધીમાં સિઝનનો સરેરાશ 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો, સૌથી વધુ કચ્છ ઝોનમાં 185 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 147 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 141 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાત ઝોન 133 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 115 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.