ડીન અને H.O.D. માટે જુદું-જુદું અર્થઘટન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણના કથળતા સ્તર અને ખાડે ગયેલા વહીવટ મામલે પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં ઉગ્ર ધરણા પ્રદર્શન થવાના છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પણ ભાજપના રાજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા ગોટાળાઓ પર આકરા પ્રહારો કર્યા છે. કુલપતિ ઉત્પલ જોશી દ્વારા સંઘ સાથે સંબંધ ધરાવતા કાર્યકરો તેમજ લાગતાવળગતાને ઉચ્ચ હોદ્દા પર ઘૂસાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાલમાં રોટેશન બાય હેડશિપ હેઠળ માત્ર પાંચ ભવનમાં જ થયેલી અધ્યક્ષની નિમણૂંક, જૂનિયર પ્રોફેસરે ડો. તરલિકા ઝાલાવાડીયાને મનોવિજ્ઞાન ભવનમાં સિનિયર પ્રોફેસર ગણાવી હેડ બનાવવા અને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે થનારી ડો. રંજન ખૂંટની ભરતી ચર્ચાનો વિષય બન્યા છે.
અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ નવિન શાહને સાથે રાખી સૌરાષ્ટ્ર બહારના લોકોને આગળ કરવા પ્રયાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કુલપતિ ઉત્પલ જોશી દ્વારા અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ નવિન શાહને ખાસ વ્યક્તિ તરીકે સાથે રાખીને સૌરાષ્ટ્ર બહારના લોકોને આગળ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આદિવાસી, ઓબીસી અને એસીબીસીના સિનિયર પ્રોફેસરને હળાહળ અન્યાય થતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
- Advertisement -
કોઈપણ નવો કાયદો આવે તે તારીખથી તેની અમલવારી કરવાની હોય, કાયદો આવે એ અગાઉથી તેની અમલવારી થાય નહીં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં ક્યાં પ્રકારે અનીતિ કરવામાં આવી છે તે અંગે વધુ કેટલીક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. હેડશિપ બાય રોટેશનના અમલમાં જૂનિયર પ્રોફેસરને સિનિયર પ્રોફેસર સાબિત કરવા માટે એક જ એક્ટનું એક જ યુનિવર્સિટીમાં અલગઅલગ અર્થઘટન કરવામા આવ્યું છે. આ અંગે શિક્ષણ જગતના જાણકારો કહી રહ્યા છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક જ એક્ટનું અર્થઘટન ડિન અને હેડ માટે જુદીજુદી રીતે કર્યું છે. નવા એક્ટ અને સ્ટેચ્યૂટ મુજબ ડીન 5 વર્ષ માટે એક જ વખત બની શકાય તેવો નિયમ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જેમને ડીન બનાવ્યા છે તેમની સિનિયોરિટી ધ્યાને લઈ કોમન એક્ટ મુજબ ડીન બનાવ્યા છે. જ્યારે હેડમાં કોમન એક્ટના નિયમનું ઉલ્લંઘન કરી અગાઉના વર્ષોના અનુભવની ગણતરી કરી લીધી છે. એક જ નિયમનું એક જગ્યાએ અલગ અર્થઘટન અને બીજી જગ્યાએ અલગ અર્થઘટન એ દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક હેડશિપ બાય રોટેશનના નામે જૂનિયર પ્રોફેસરને સિનિયર ખપાવી ભવનના અધ્યક્ષ બનાવવા પાછળ પક્ષપાત ભરેલો નિર્ણય રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેઓને ડીન બનાવ્યા છે તેઓ અગાઉ ડીન રહી ચૂક્યા છે. કોમન એક્ટ મુજબ એક જ વખત 5 વર્ષ માટે ડીન બની શકાય. અગાઉ 3 વર્ષનો નિયમ હતો. તો નવા ડીન બન્યા તેમને ફરી 5 વર્ષ માટે ડીન બનાવ્યા તેનો મતલબ કે નવા એક્ટનો અમલ થયો છે તો આવું હેડ માટે કેમ નહી? કોઈપણ નવો કાયદો આવે તે તારીખથી તેની અમલવારી કરવાની હોય, કાયદો આવે એ અગાઉથી તેની અમલવારી થાય નહીં. આટલી સરળ વાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતાના લાગતાવળગતાને અધ્યક્ષ બનાવવા ગૂંચવી નાખી વિવાદો ઉભા કર્યા છે.
અત્રે ખાસ નોંધનીય છે કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023નો હેતુ ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીઓ માટે એકસમાન કાયદાકીય માળખું બનાવવાનો છે. આ એક્ટ 9 ઓક્ટોબર 2023ના રોજ અમલમાં આવ્યો. કોમન એક્ટ મુજબ એક યુનિવર્સિટી અગાઉના પાંચ વર્ષનો સમયગાળો એક્ટના અમલની તારીખ (9 ઓક્ટોબર 2023)થી જ ગણી શકે છે. એક્ટ લાગુ થયો તે પહેલાના સમયગાળા માટે (એટલે કે 9 ઓક્ટોબર 2023 પહેલાના પાંચ વર્ષ) આ એક્ટની જોગવાઈઓ લાગુ પડતી નથી. આ એક્ટમાં એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે તે ભૂતકાળના સમયગાળા માટે લાગુ પડશે. તેથી, એક્ટના અમલ પહેલાં જે નિર્ણયો લેવાયા છે અથવા જે પ્રવૃત્તિઓ થઈ છે, તેના પર આ નવા કાયદાની કોઈ અસર થતી નથી. નવા કાયદા મુજબની ગણતરીઓ અને જોગવાઈઓ એક્ટ અમલમાં આવ્યા બાદ જ શરૂ થાય છે. ટૂંકમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ માનીતા જૂનિયર પ્રોફેસરને સિનિયર પ્રોફેસર તરીકે ગણાવી ડિપાર્ટમેન્ટ હેડ બનાવવા માટે કોમન એક્ટના નિયમ નેવે મૂકી એક્ટની અમલવારી અગાઉના વર્ષોની પણ ગણતરી છે તે ચોખ્ખું દેખાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ માનીતા જૂનિયર પ્રોફેસરને સિનિયર પ્રોફેસર તરીકે ગણાવી ડિપાર્ટમેન્ટ હેડ બનાવવા માટે કોમન એક્ટના નિયમ નેવે મૂકી એક્ટની અમલવારી અગાઉના વર્ષોની પણ ગણતરી છે તે ચોખ્ખું દેખાઈ રહ્યું છે
જેઓ પ્રશ્ર્નો ઉઠાવે તેઓને સાઈડલાઈન કરી રસ્તો કરી નાખવાનો પ્લાન
અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પહેલા કોઈ વિદ્યાર્થીને પ્રોફેસર દ્વારા પી.એચડી.માં પ્રવેશ આપી દેવામાં આવે તો? તો યુનિવર્સિટીના સત્તાધીશો તે અધ્યાપક અને વિદ્યાર્થી વિરુદ્ધ કડક પગલાં ભરે. હવે જો યુનિવર્સિટીના સત્તાધીશો જે અધ્યાપક હજુ કાયમી નથી, તેને કાયમી કરવાની પ્રક્રિયા થયા પહેલા એટલે કે હજુ પરીક્ષા બાકી છે તે પૂર્વે પરિણામ જ નહીં તે ઉપરાંતની ડિગ્રી પણ આપી દે તો? આ પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરાતી મનમાનીથી મોટાભાગના અધ્યાપકો કચવાટ અને ચિંતા અનુભવે છે. એક એકેડેમિક કાઉન્સિલ)ના સભ્યે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, નીતિ-રીતિ અંગે મિટિંગમાં જેઓ પ્રશ્ર્નો કરે છે, વિરોધ કરે છે કે તર્ક કરે છે તેઓને સાઈડલાઈન કરી ચૂપ કરી દેવામાં આવે છે. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે બધી જ સત્તા પોતાની પાસે રાખવા અને મન ફાવે તેવા નિર્ણયો કરવા આવું અક્કડ વલણ હોય તેવો પણ સૂર અધ્યાપકોમાં ઊઠી રહ્યો છે.